રાગ-દ્વેષ છોડી વીર બોલે

॥ ૐ ॥

(રાગ : ખમાજ)


રાગદ્વેષ છોડી વીર બોલે, વીર પ્રભુની વાણી જ,

સત્ય સંયમ, શ્રદ્ધા તોલે, કર્મ ગ્રંથિનો છેદ જ ….

વીતરાગી હૃદય દ્વાર ખોલે, ગર્વ વાસના ત્યાગ જ,

પશુ-પક્ષી વેરભાવ ભૂલે, મહા માનવ તેમ જ ….

સંત તપ કરી પ્રેમ રાખે, જ્ઞાન કેવળ સાથ જ,

કામ – ક્રોધ – મોહ – કાઢી નાખે, સ્પર્શ કદી ન થાય જ ….

દોષ- શોક લેશ નહિ રાખે, ક્લેશ આવે ન પાસ જ,

મૌન (ભાવે) ભીતર રસ ચાખે, અંતર સમતા આત્મ જ ….

વસ્તુ આસક્તિ રાખે ન કદી, દૃષ્ટિ નિર્મળ હોય જ,

કાય – વાણી – મન – ગુપ્તી ભેદી શાંતિ અચળ સાર જ ….

દિવ્ય જીવન જાગૃત રાત-દી, સુગંધી સઘળે દેય જ,

લક્ષ ગર્વનું રાખે ન કોઈ દી, ક્ષણ સુધારી તેણે જ ….

રક્ષણ માગવું ભીતર કોઈનું, હૃદય એવું ન ગોઠે જ,

આત્મપ્રકાશ અખંડ જ્યોતિનો, ધ્યાન ચૂકે બને જડ જ ….

વેર-ઝેર આવે ન ભ્રાંતિનું, સ્થિર​ સ્વરૂપે વાસ જ,

પ્રેમશુદ્ધિ વિશ્વ વિજયનું, સત્ય કેવળ જ્ઞાન જ ….        


 ॥ ૐ ॥