॥ ૐ ॥
(આ ભજનમાં લખેલા ગુણો અવશ્ય હોવા જ જોઈએ તે સૂક્ષ્મ વિચારીને આ ભજન લખેલું છે.)
અનન્ય ભાવનાવાળો સાચો પ્રભુ પ્રેમ જોઈએ છે,
પ્રભુના રંગમાં તરબોળ, ભક્તિનો રંગ જોઈએ છે …. ટેક
નિભાવવા પ્રભુના નિયમો, કર્તવ્યનિષ્ઠા જોઈએ છે,
સદાયે ધ્યાનમાં જોડાણ, હૃદયની શુદ્ધિ જોઈએ છે …. (૧)
શ્રધ્ધા, વિશ્વાસ, નિર્ભયતા સાથે બ્રહ્મચર્ય જોઈએ છે
રિઝાવા શ્રીપ્રભુજીને, સત્યનો માર્ગ જોઈએ છે …. (ર)
સંકલ્પો કામના મૂકવા, સત્સંગ રોજ જોઈએ છે
કામ, ક્રોધ, લોભને તજવા ગુરુનો બોધ જોઈએ છે …. (૩)
દુઃખોમાં ધીરજને ધરવા, મક્કમતા મનની જોઈએ છે,
સ્થિરતામાં બુદ્ધિની કરવા, સ્મરણ શ્વાસેશ્વાસ જોઈએ છે …. (૪)
રાગદ્વેષ છોડી દેવામાં, અભયતા ખાસ જોઈએ છે
ત્રિવિધ તાપોથી બચવાને, પ્રભુની શાંતિ જોઈએ છે …. (પ)
મલિન મોહ શોકને તજવા, પ્રેમ આનંદ જોઈએ છે
આશા તૃષ્ણાથી બચવામાં, પૂરો સંતોષ જોઈએ છે …. (૬)
કપટની જાળ તોડીને, સરલ શણગાર જોઈએ છે
વાણી ને નેત્ર શુદ્ધિમાં, નિર્દોષ બ્રહ્મદૃષ્ટિ જોઈએ છે …. (૭)
અચળ બની ગર્વ તજવામાં, પ્રાણીઓની શુદ્ધિ જોઈએ છે
પ્રભુ વિના ન ચેન પડે, પ્રાણોનો પોકાર જોઈએ છે …. (૮)
પ્રભુ આવે ન મોડું કરે, એવો એક તાર જોઈએ છે
આવે પ્રભુ તરત મળવાને પછી, નવ કાંઈ જોઈએ છે …. (૯)
॥ ૐ ॥