॥ ૐ ॥
અહંકારના આગળ વધતા, હુંપણાને ટાળે …. રે
સર્વ વ્યાપક સત્ય પ્રભુના, સત્યમાં પ્રીતિ લાવો …. રે ટેક
હૃદયમાં એનો વાસ સદા છે, ત્રણે કાળનો પ્રેરક …. રે
સત્તા એની સ્વતંત્ર સદાયે, સર્વે તંત્રને ધારી …. રે
અનંત જન્મોના શુભ-અશુભ સૌ, કર્મોને એ જાણે …. રે
એની ગતિને નહિ મપાયે, અહંકાર દેહ બંધાણે …. રે
અહંકારની દીવાલ આડી, હાથે ઊભી કરી ઢાંકે …. રે
સ્થિરતા ત્યાગી કલ્પના રાગી, પ્રભુને તર્કથી માપે …. રે
તર્કપણાથી સમર્થ પ્રભુને, માપવા આપ જો ચાહો …. રે
દેહબિંદુનો ગર્વ મૂકીને, પ્રભુમાં ગળવા ચાહો …. રે
ઈન્દ્રિય-મન-બુદ્ધિ-વાણીને, પ્રભુ તરફ પ્રાણ વાળો …. રે
સંસારી દૃષ્ટિની ચતુરતા, વાસના સઘળી બાળો …. રે
વિશ્વ આખાને એક અંશથી,ધારણ પ્રભુજી કરતા …. રે
એક જ વ્યક્તિ એક જ દેશમાં, સંપૂર્ણ સમાઈ ન શકતા …. રે
એક જ વ્યક્તિમાં હઠ કરીને, માનવું એ ભૂલ મોટી …. રે
પ્રચાર કરીને વાતો ફેલાવો, એ છે ભ્રમણા ખોટી …. રે
તમારી વાતો પરાણે મનાવી, સમાજને ઊંધા દોરો …. રે
અનિષ્ટ એવું દુઃખ જ કરતા, છોડી દો ખૂબ વિચારો …. રે
ખોટા દેહના અહંપણાની, સમજ દેહની તજવી …. રે
દેહાતીત પ્રભુને ગણીને, નિષ્ઠા પાકી કરવી …. રે
તમે પ્રભુના સાધન બનીને, સર્વ સમર્પણ કરજો …. રે
ઘાટ ઘડનાર સાચો પ્રભુ છે, ગર્વ દેહનો તજ્જો …. રે
સંપૂર્ણ પ્રભુજી પૂર્ણ ભરેલા, જગ્યા નથી પ્રભુ વિનાની …. રે
અહંકાર ખાલી ન જગ્યા, સર્વવ્યાપકની નિશાની …. રે
મારું ને પ્રભુનું બે ભેદ પાડી, પ્રભુનું આપણું કરતાં …. રે
દેહ પ્રભુનો પ્રભુને સોંપવો, એ નિશ્ચય સરળતા …. રે
પ્રભુનું સઘળું ઉપકારો એના, કાંઈ નથી તમારું …. રે
ગર્વ ધરીને ખાલી ફૂલવું, સમજો તો ઘણું સારું …. રે
તરવું પ્રભુમાં પ્રેમ વધારી, વિજય સ્વરૂપે મળવું …. રે
ગળવું પ્રભુમાં એકતા ધારી, સત્ય સ્વરૂપમાં ભળવું …. રે
॥ ૐ ॥
🙏🏼જય સદગુરૂ 🙏🏻