॥ ૐ ॥
આદિ બ્રહ્મ સ્વરૂપનું સાચું જ્ઞાન દીપાવજો … રે
ખોટા જડતાથી કલ્પેલા, શોક-મોહ બાળજો …. રે ટેક
તપ-યોગથી-તેજથી ગુરુપદ લીધું, સાચી સમજણથી દૃઢ કીધું
વિચાર દીપક સદ્બુદ્ધિથી, વિવેક હૃદયમાં ધારજો …. રે
વિધા-અવિધા ભેદ સમજવો, સદ્ગુરુજી છે સંસ્કાર ઘડવા
તન-ધન-સેવા અર્થે સમર્પી, જીવન સફળ બનાવજો …. રે
શત્રુ મિત્રમાં સમતા રાખો, કામના ખોટી કાઢી નાખો
હર્ષ-શોકનું કારણ શોધી, રાગ ને દ્વેષો ટાળજો …. રે
મનનો કલ્પેલ સંસાર મોટો સાચું જાણો તે છે ખોટો
ખોટું સઘળું ત્યાગ કરીને, સત્ય હૃદયમાં ધારજો …. રે
અણુબોમ્બશક્તિ વિનાશ કરતી, આત્મશક્તિ સર્જન કરતી
આત્માનું બળ ધારણ કરીને, અજાડ શક્તિ દીપાવજો …. રે
નામ રૂપથી જે છે ન્યારું સમજા તે જ સ્વરૂપ તમારું
વેદશાસ્ત્રનો સાર ગ્રહીને, વાદવિવાદ વિસારજો …. રે
અભય અખંડ સ્વરૂપ તમારું, ભયના તાપોથી છે ન્યારું
અમર લોકના વાસી તમે સૌ, પરમ ભાવ દીપાવજો …. રે
॥ ૐ ॥
આદિ બ્રહ્મ સ્વરૂપનું સાચું જ્ઞાન દીપાવજો … રે