॥ ૐ ॥
(રાગ : ગઝલ)
ઉત્તમ સેવા વનસ્પતિ માત તણી, દેવદાનવની પૂજા કરી છે ઘણી,
બ્રહ્મ-વિષ્ણુ-મહેશે કિંમત કરી, તારી સેવામાં અદ્ભૂત શક્તિ ભરી ….
ઋષિ-મુનિને તારી જરૂર પડી, પ્રાણ અર્પણ કરતાં અડચણ ન નડી,
યજ્ઞ કારણ તેં બલિદાન દીધું, પ્રાણ આપીને કાર્ય સફળ કર્યું ….
સેવા કરનારા જગમાં ઘણાં થયા, સર્વે અર્પણ કરતા ડરી ગયા,
અનેક યોગી-તપસ્વી યાદ કરે, કંદમૂળ પત્રથી પેટ ભરે ….
રાજા કે મહારાજાને તારી જરૂર ખરી, ક્ષુધા શાંત કરવા તુજને કરી,
ગરીબ ધનવાન તારે સૌ સરખા, અન્ન માટે મારે છે બહુ વલખાં ….
મહા બળવાન યોદ્ધાઓ થઈ ગયા, તારા વિના કોઈ નવ જીવ શક્યા,
દેવ-માનવ, પશુ-પક્ષી કોઈ, તારા દર્શન વિના સઘળાં રોઈ ….
અનેક દર્દીનાં દુઃખને દૂર કર્યાં, હાડપિંજર માંહી પ્રાણ ભર્યા,
વૈદ્ય તારા આશ્રયથી કામ કરે, કાપે ખાંડે બાળે તોપણ નહિ ડરે ….
કલ્યાણ કરવામાં આત્મસમર્પણ તારું, માન અપમાન તુજને ન લાગ્યું ખારુ,
મોટા પત્ર બને નવ તારા વિના, જંગલમાં રહે છે સિંહ રાત-દિનના ….
અનેક થાકેલાં પ્રાણી વિશ્રામ લેતાં, થાતી શાંતિ ને દુઃખોને વીસરી જતાં,
ચંદ્રે અમૃત સીંચીને પોષણ કર્યું, લક્ષ રાખીને અમૃત નવ લજવ્યું,..
તારા જંગલ જાતાં કવિ કાવ્ય કર, મંદ બુદ્ધિમાં અલૌકિક શક્તિ ભરે,
હકીમ લુકમાન સાથે વાતો કરતી, બોલવામાં વૈદ્યો પાસે કેમ ડરતી ….
તારી વાણીમાં સાન નરાળી ઘણી, આપો સમજણ અમને મૌન ભણી,
તારી રડવું કે ચિંતા જરાય નહિ, પ્રસન્ન વદને મરનાર પૃથ્વી મહીં….
બાળક કે મૂર્ખ કુહાડા ઘાવ કરે, દોષ ભૂલી જઈને ફળ સામે ધરે,
દેહાધ્યાસ મટીને ખરી સમજ પડી, તને મોતની સાથે રમત આવડી ….
ગુરુકૃપાથી ભક્ત તુજને નમે, સેવા કરવાની શક્તિ રગે રગ ભમે,
અહંભાવે ફુલાઈ ભાન નવ ભૂલું, તારી જેમ પ્રાણ આપીને, જગે જીવવું ….
॥ ૐ ॥
🙏🏼જય સદગુરૂ🙏🏻