॥ ૐ ॥
પ્રાણનો દીવો કરીને પ્રભુને ગોતનાર મસ્ત મીરાં
(ભજન) ૧
ગિરધારી ગોપાળ સાથે , મીરાંએ તાર બાંધી …. રે
લગની લગાડી એવી, હૃદય તાર સાંધી રે …. રે…. ૧
તાર નહિ તૂટ્યો એનો, પ્રેમ શુદ્ધ ભરેલો રે…. રે
ભક્તિ અખંડ-ભાવ દૃઢ છે, ગર્વ ગળેલો …. રે…. ર
મીરાંની મસ્તીની ભરતી, રાતદિન જગાડે …. રે
ગિરધારી ગોપાળ કહેતાં, મોહ શોક નસાડે …. રે…. ૩
મધુરો પોકાર દિલનો, પ્રભુને પાસે લાવે …. રે
વિરહ વેદના અંતરની, પ્રભુને પામે …. રે…. ૪
જગતના રંગનો ડાઘ નથી, પ્રભુએ મીરાંને રંગી …. રે
ગિરધારી હૃદય વસેલો, જન્મોજન્મનો સંગી …. રે…. પ
અમર ચૂડલો પહેર્યો મીરાંએ, રંડાપો નહિ આવે …. રે
ઊજળા ભાવિને ઘડતો, પ્રભુજી હૃદયમાં સમાવે …. રે…. ૬
આંખથી આંસુડાં પાડીને, પ્રભુને સ્નેહે રિઝાવ્યા …. રે
માત-પિતા ધન્ય મીરાંના, પ્રભુજી મીરાં પાસે આવ્યા…. રે…. ૭
સત્ય પ્રેમ ભરેલી મીરાંએ, ભક્તિ અખંડ વસાવી …. રે
ઉદાર મીરાંએ બનીને, દૂર દૂર ભક્તિ ફેલાવી …. રે…. ૮
॥ ૐ ॥
આજથી ચારસો વર્ષ પહેલાં પ્રભુએ પૃથ્વી પર પોતાનો પ્રેમ ભરીને, એક દિવ્યતા સંપન્ન, પ્રેમમાં મસ્ત રહીને, બીજાના જીવનનો ઉદ્ધાર કરે તેવી, ભક્તિના રંગમાં રંગીને વિશેષ ભક્તિ કરીને, નિર્મળ રંગમાં રંગી દે એવી, દ્રવિત હૃદયવાળી વિભૂતિને ગિરધાર ગોપાળ ની જ દૃષ્ટિથી, એક જ નિષ્ઠાવાળી, પ્રભુથી તાર, તૂટલાના તાર સાંધવા માટે કાળજી રાખીને મોકલી તે ગિરધર ગોપાળની યાદી તાજી કરાવવા હૃદય ભક્તિમાં જ ગળે તેવી તેનો જ સીધો સંદેશો લઈને અવતાર એવી કોણ ? મીરાં.
મીરાંનું આજે સ્મરણ કરીને ભક્તિથી પરમાત્મા સામે જ પ્રગટ થાય ધન્ય છે તેવું જીવન. જગતના અનેક પ્રકારના વિધ્નો ગિરધારી ગોપાળના બળથી દૂર કર્યાં. આપણાં સહુનાં વિધ્નો દૂર થાય, પરમાત્માના પ્રેમમાં હૃદયના ઉમળકાથી આપણે બધાએ, એક તારના અખંડ જોડાણ સાથે પ્રભુને રિઝાવવા જ જોઈએ તેવું આરાધન કરવું જોઈએ જીવન સફળ ત્યારે જ ગણાય. અનન્ય પ્રેમ વધારી ધૂન દરેકે બોલવી.
॥ ૐ ॥