॥ ૐ ॥
(રાગ : જૈજૈવંતી કલ્યાણ ગરબી)
ગુરુજી અનુભવી અંતરના સાચા,
સમજે સાન તેની સદા શુદ્ધ વાચા,
ગુરુજી પ્રકાશે દિવ્ય જ્ઞાન જ્યોતિ,
ભરી દે હૃદયમાં ઉત્તમ ભાવ ગોતી …. ટેક ૧
॥ ૐ ॥
મોહ-શોક-મમતાના દોષો હઠાવે,
ઉત્તમ વિશુદ્ધિ હૃદયની બનાવે,
પરબ્રહ્મ સાથે વૃત્તિને સમાવે,
બતાવે છે યુક્તિ સ્થિર દૃઢતા રખાવે …. ર
અખંડ શાંતિ સમતા આનંદનિવાસી,
પ્રકાશે જીવનમાં અમરતા વિકાસી,
અદ્ભૂત કૃપાળુ ગુરુજી સદાના,
ચૈતન્ય અગોચર અનંત કળાના …. ૩
॥ ૐ ॥
પ્રાણોની શુદ્ધિ અને સંયમ પ્રભુ સ્મરણથી થાય છે.
॥ ૐ ॥
મંગળ સુંદર કરવા સહુનું,
ગુરુજીનું જ્ઞાન ને કામ જ હિતનું,
હૃદયને ગુરુજી સત્ય રંગે રંગતા,
પલટતા એ ભાવિ એની શક્તિ ભરતા …. ૪
સમજના અભાવેથી યુગો ભટકતા,
ગુરુજી સુધારી અવિનાશી કરતા,
વેદશાસ્ત્ર સર્વનો સાર બતાવે,
વિજયનો અલૌકિક નાદ ગજાવે …. પ
જગાડે ગુરુજી તો નહિ મોહ વ્યાપે,
અભય મુદ્રા તેની જ નિર્ભયતા આપે,
સંયમ સાથે શ્રધ્ધા અવિચળ રહે તો
ગુરુજીની અમર વાણી ફળે તો …. ૬
ગુરુજી દૃષ્ટિમાં અમૃત ભરેલું,
સિંચન તેનું થાતાં જ ભાગ્ય ફળેલું,
ગુરુજીના વિશ્વાસે વળગી રહેતા,
આત્મબળ ગુરુજી નિશ્ચય ભરતા …. ૭
॥ ૐ ॥
ચિત્ત ચૈતન્ય સાથે મળી જાય ત્યારે બ્રહ્મ સંબંધ કહેવાય, નાડી ને પ્રાણ ખેંચાય, પ્રભુના ભાવથી ભાવિત થાય ત્યારે લક્ષનું વેધ કરી શકાય