॥ ૐ ॥
ગુરુજી આવ્યા જ્ઞાનવાળા રે,
હૃદયોનાં તાળા ખોલવાં રે જી ….
હઠાવે મનનાં બાંધેલા જાળાં રે
હૃદયોનાં તાળા ખોલવાં રે જી – ટેક
જૂગોની જૂની પ્રીત દેહની સંગ,
આશક્તિએ રંગ્યો ઈન્દ્રિયોના સંગે,
સાચો તને રાહ ન સૂઝે રે
ગુરુ સમજાવે તો ઊગરે જી ….
રાગદ્વેષ ખૂબ કાળા, મૂકાવે વિતરાગ વાળા
આપી અંતરમાં સાચા અજવાળા રે
સંશય સમૂળા કાપતા રે જી ….
ભોગોમાં ભર્યા છે શોકો,
દુઃખમાં ડુબાવે લોકો
છતાં તને સૂઝે નહિ સાચું રે,
તૃષ્ણાના લોભે ડોલતો રે જી ….
ધ્યાન ધર, સંતવાણી, આપે જ્ઞાન, કેવળ જ્ઞાની
રાખે નહિ તલભાર ખામી રે
જા હોય સાચો સંયમી રે જી ….
જીવન મળ્યું શા માટે, કરો ખ્યાલ શિર સાટે
વિષયના વિષથી જલદી ભાગ રે
તજીને ખોટું ઉરથી રે જી ….
કામ, ક્રોધ તારાં વેરી, સત્ય-અહિંસા બખતર પહેરી
એનાં મૂળિયાં સમૂળાં નાખો ઉખેડી રે
વિજય સાચો તો થશે રે જી ….
॥ ૐ ॥
જય સદગુરુ 🙏🌷🌹🕉