|| ૐ||
રાગ : ધોળ
(ભૂલથી કે પ્રેમથી ! ખૂબ વિચારવું)
તમારી ને મારી પ્રભુ, પ્રીતિ છે જગુથી,
હૃદયમાં શોક-મોહ, ઠાંસી ભર્યા ભૂલથી. ટેક
કઠોરતા વ્યાપે સહુના, મનને મૂંઝાવતી,
તમારી કૃપા પૂર્ણ, શંકા, સમાધાને લાવતી. ૧
વેદ-શાસ્ત્ર પુરાણ, અમૃતવાણી સુણાવતા,
સમજે નહિ શાસ્ત્ર, દોષ બીજાનો કાઢતા. ર
ભક્તિનો રંગ પ્રભુ સાચો સૌને આપજો,
સૌ બને તમારા પરાયણ, પ્રેમ એવો ઉછાળજો. ૩
ભરતી તમારા પ્રેમની, અદ્ભૂત પ્રભુ રાખજો,
ઓટ કદી ન થાય, તન, મન સાચા ભીંજાવજો. ૪
ખોટી પ્રીત સાચા, તમારા પ્રેમને ભુલાવતી,
અંધારે રાહે ભ્રમણા, ખોટી તે ડરાવતી. પ
વિષયોની વેલ તે તો, ઝેરી છે મૂળથી,
સેવન કરી જાય, તેને સંતાપે શૂળથી. ૬
ઝેર ઉતારનારું, પ્રભુ સંજીવન નામ છે,
વિશ્વાસે નામ લેજો, તારનારું પ્રમાણ છે. ૭
આજ્ઞા પ્રભુ તમારી સહુને, સાચી ગણી પાળવી,
વાસનાઓ બાળી, શુધ્ધ વૃત્તિ હૃદય ધારવી. ૮
વાણી ને નેત્ર બન્ને, નિર્મળ તમારા પ્રેમથી,
ભૂલ માફ કરી સુધારો, સાચી તમારી રહેમથી. ૯
તમારા દ્વારે તુપ્તિનું સ્થાન છે ભરેલું,
તમારે ત્યાંથી કોઈ નથી નિરાશ ફરેલું. ૧૦
સત્ય વિજય રૂપ પ્રભુ કોમળતા આપજો,
અખંડ તમારા સ્મરણની શાંતિ સદા સ્થાપજો. ૧૧
જ્ઞાન-ધ્યાન એકતાનો, તાર નહિ તોડતા,
તૂટે ત્યાંથી સાંધી પ્રભુ રહો તમો જાડતા. ૧ર
|| ૐ||
જય સદગુરુ 🙏🌹💐🌷🕉