॥ ૐ ॥

 (રાસ: દિવ્ય દૃષ્ટિ : દિવ્ય દર્શન તત્વ​)


 

દેહની દૃષ્ટિનો દોષ પ્રભુ ટાળતા

દોષો ન ક્યાંય રહે, દોષોને બાળતા

આંખમાં પ્રભુ જ, અમી ભરનારો

દૃષ્ટિ દિવ્ય બની જશે રે …. લોલ …. આંખમાં

 

સઘળે દેખાય પ્રભુ, એવી દૃષ્ટિ કામની

અવિનાશી આંખ મળે, એના જ ધામની

પ્રેમથી દૃષ્ટિમાં દૃષ્ટિ, પ્રભુ આપે – તો

સત્ય, તેજ વૃદ્ધિ થશે રે …. લોલ …. આંખમાં

 

પડદો હઠાવી પ્રભુ, પ્રત્યક્ષ થાતો

હૈયું તરબોળ બને, પ્રેમ ઊભરાતો

અમર પ્રભુજી, અમર બનાવે તો

 ભાગ્ય બને ઊજળાં રે …. લોલ …. આંખમાં

 

દિલનો દાતાર હૃદય શણગારે

એનું જ જ્ઞાન ભરી, સમજ વધારે

કેવળ કૃપાથી, પ્રભુ હિત કરતા

સંયમ સાચો દૃઢતા રહે રે …. લોલ …. આંખમાં

 

પ્રભુના બોલનો, તોલ નથી થાતો

અમૂલ્ય બોલ અને નિર્મળ વાતો

નિર્દોષ ભાવોને એ જ પોષનારો

અમૃત આપી તૃપ્તિ કરે રે …. લોલ …. આંખમાં

 

ગેબી અવાજ એના, બધે જ પૂરતા

સાન, ભાન એની મળે, એની જ વીરતા

સુરતા એની જ, સાચી સુભાગી

પ્રભુની લગન સાચી રહે રે …. લોલ …. આંખમાં

 

એક  જ પ્રભુ વિના, બીજું ન ગોઠતું

હૃદય ઊજળું પ્રભુ, પ્રકાશે શોભતું

વિશ્વની ભાષનો, ભેદ પ્રભુ જાણે

ઉકેલ એનો આવડે રે …. લોલ …. આંખમાં

 

સહુમાં વસીને ખ્યાલ સૌનો એ રાખતો

વિશેષ કૃપાળુ પ્રભુ, સૌને સુધારતો

દિવ્ય કળાનો કારીગર પા કો,

દિવ્ય કળાથી સૌને ઘડ્યા રે …. લોલ ….

 

આંખમાં ઘડનાર, તોડનાર, જોડનાર પ્રભુજી

સઘળું મીઠું લાગે, પ્રભુની મરજી

એના વિનાનું પાન નહિ હાલે

સાચી સમજ, ગર્વ ગળે રે …. લોલ …. આંખમાં

 

પ્રભુમાંથી આવ્યા, પ્રભુ પાસે જાવું

પ્રભુ એક જ લક્ષ, બીજે નહિ ફસાવું

રક્ષણ નિશ્ચય, પ્રભુનો એક સાચો

શરણ પ્રભુનું, પ્રભુ મળે રે …. લોલ …. આંખમાં

 


॥ ૐ ॥

dehani drashthi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *