॥ ૐ ॥
પ્રભુજી હૃદયમાં રહીને અજ્ઞાન પડદો હઠાવજો રે
પ્રભુજી હૃદયમાં રહીને અજ્ઞાન પડદો હઠાવજો રે
પ્રિયતમ અજ્ઞાન કાઢી જ્ઞાન પ્રકાશ દિપાવજો રે …. ટેક
ભ્રમણામાં પ્રભુજી નથી રહેવું, આપ વિનાનું કોને કહેવું !
કાળજી રાખો આપ તો કામ વિકટ નથી રે …. પ્રભુજી
નામ-રૂપથી સ્વરૂપ ન્યારું, મોહ-શોકથી તન છે પ્યારું,
અવળા ભાવો હઠાવીને, સત્ય સમજ બેસાડજો રે …. પ્રભુજી
રાગદ્વેષ ને તૃષ્ણા વધતી, દેહ ગર્વની આશા ગમતી,
ખોટી રીતે ખુવાર થવાની દૃષ્ટિનો દોષ નસાડજો રે …. પ્રભુજી
અમૃત દૃષ્ટિમાં આપને દેખું, દિવ્ય આપમાં દૃષ્ટિ રાખું,
મેળવો આપ દૃષ્ટિમાં દૃષ્ટિ, ચૈતન્ય ભાવ જગાડજો રે …. પ્રભુજી
ત્રિકાળજ્ઞાની છો અવિનાશી, આપને ભૂલી બન્યા વિનાશી,
પરમ ભાવની પ્રત્યક્ષ વૃદ્ધિ, નિશ્ચય રખાવજો રે …. પ્રભુજી
સર્વવ્યાપક આપ રહો છો, સંપૂર્ણ પૂર્ણાનંદ પ્રભુ છો,
હસવું સૌને આવે એવું, કેમ બને સમજાવજો રે …. પ્રભુજી
સુધારો કરીને શુદ્ધ બનાવો, ત્રિગુણ રમકડું દૂર હઠાઓ,
વિત્યા યુગ હજારો તેથી, પ્રભુજી સૌ મૂંઝાય છે રે …. પ્રભુજી
પ્રભુ રમતની ગમ્મત તમને, ત્રિવિધ તાપો તપ્યા ભ્રમને,
અજબ રમતથી થાકી ગયા, આપ જ શીતળ બનાવજો રે, …. પ્રભુજી
સ્થિર ચિત્તની વૃત્તિ થાયે, આપને છોડી ક્યાંય ન જાયે,
શાંતિ આનંદ પ્રેમ સાગરથી, અધિક વૃદ્ધિ વધારજો રે …. પ્રભુજી
સનાતન અલૌકિક દર્શન તમારું, સાનથી સમજાવો આપનું પ્યારું,
સુધારો કરીને પ્રભુજી આપ જ, સ્નેહથી સૌને સમાવજો રે …. પ્રભુજી
॥ ૐ ॥
જય સદ્ગુરુ 🙏💐🌷🕉