॥ ૐ ॥
(ભજન) પ
પ્રભુની શક્તિ મીરાંના પ્રાણમાં,
વિશુદ્ધિ દિવ્યતા અખંડ રહે,
પ્રેમીના પાગલ પ્રાણોમાં,
પ્રભુજી પોતે જ વાતો કહે …. ૧
પ્રેમીની વાતો અટપટી ને
સમજ પ્રભુ વિના ન મળે,
એક જ લક્ષ રાખીને રહેવું,
પ્રેમીનું પ્રભુમાં સઘળું ગળે …. ર
પ્રાણથી પ્યારા પ્રભુના ખાતર,
બલિદાન પ્રાણનું પ્રેમી કરે,
રહેવું સદાયે પ્રભુના સાથમાં
આંખમાં અમૃત પ્રભુ જ ભરે …૩
પ્રેમીના હૃદયે વાસ પ્રભુનો,
પૂર્ણતા પ્રેમીમાં ભરતા રહે,
પ્રાણ શુધ્ધિમાં પ્રભુ રહેતા,
છુપાવ્યા પ્રાણમાં પ્રભુ જ કહે …. ૪
॥ ૐ ॥
પ્રભુના વિરહમાં બળનાર, પ્રેમીઓના પ્રાણનો પોકાર પ્રભુને પ્રગટ કરે છે. પ્રભુ અનોખી રીત અજમાવીને અદૃશ્ય થાય છે. દર્શન માટે તલસતા પ્રાણને તૃપ્ત કરવા માટે પ્રેમીના હૃદયમાં અનેક નિશ્ચયપૂર્વકના માર્ગથી અડગતા ધારણા કરે છે. પ્રભુ અમારા બન્યા હવે કદાપિ આપણાથી અલગ થશે જ નહિ. મટકું માર્યા સિવાય સ્થિર થઈ જોયા જ કરે છે. તૃપ્તિ થતી જ નથી. કાંઈ બોલી શકાતું નથી. એવા સંજાગોમાં પ્રભુ પોતાની અનોખી રીત અજમાવી અદૃશ્ય થાય છે. પ્રેમીના પ્રેમનો વિરહ અગ્નિ ફરી વાર પ્રભુને લઈ આવે છે. વિરહની અગ્નિમાં તપાવીને પ્રભુ વધારે વિશુધ્ધ પ્રેમનો ભંડાર ખોલી આપે છે. પ્રેમીના પ્રાણનો નિર્દોષ ભાવનો પ્રાણ તડપતા વિરહ અગ્નિથી બળતા પ્રેમીનું, પ્રભુ આવ્યા વગર સમાધાન થાય જ નહિ. એક ક્ષણ પ્રભુ વિના જીવવું, વિરહીના વિરહની વેદના વિરહી બન્યા વગર સમજાય નહિ.
॥ ૐ ॥