॥ ૐ ॥
પ્રભુને અમને સાંભરે તમારા ઉપકારો (ર)
એવા અમને, આપજા ઉત્તમ વિચારો રે ….. ટેક
સત્ય, અહિંસાના સદ્ગુણ આપી, જીવન સફળ બનાવો,
દુર્ગુણનો અંશ મૂળથી કાઢી, સત્ય જ ઘાટમાં લાવો રે …. પ્રભુ
આદિ-અનાદિ ભૂલેલા યોગનો પ્રભુ અભ્યાસ કરાવો,
સુરતાને આપના પ્રેમમાં બાંધી, હૃદયને શુદ્ધ બનાવો રે …. પ્રભુ
અજ્ઞાનનો સહુ કાટ ઊખેડી, આત્માનું જ્ઞાન આપો,
ભેદ ને ભ્રમણા દૂર હઠાવી, મોહનાં બંધન કાપો રે …. પ્રભુ
એેકાગ્રતા સહુ ચિત્તની કરજા, જ્ઞાનની નિષ્ઠા આપો,
પવિત્ર જ્ઞાનને શ્રેષ્ઠ બતાવ્યું, તે જ્ઞાન હૃદયમાં સ્થાપો રે …. પ્રભુ
કર્મ-અકર્મના ભેદ ન સમજ્યા, આપ મતિથી અથડાણા,
ખોટાં કર્મોનો ખ્યાલ જ બાંધી, રગેરગમાં પડ્યાં કાણાં રે …. પ્રભુ
ઘાવની વેદના વ્યાકુળ કરતી, ત્રાસમાં કરતી વધારો,
આપ આવીને એને મટાડો, સત્ય તો થાય સુધારો રે …. પ્રભુ
ઋષિને મુનિયો જુગના જૂના, તપ કરી સ્વરૂપેને પામ્યા,
તપ-યોગની બધી શક્તિઓ ખૂટી, આપ ચરણમાં વિરામ્યા રે …. પ્રભુ
તમારા નિયમનું પાલન કરીએ, એવી જ ભક્તિ કરાવો,
અવળા રાહનો માર્ગ બદલીને, સવળા રાહે ચલાવો રે …. પ્રભુ
સર્વસ્વ પ્રભુ આપ છો મારા, એવું હૃદય ઠસાવો,
નિર્બળ સર્વથી આપ બળી છો, આપની કૃપા વરસાવો રે …. પ્રભુ
દયા હૃદયથી વિદાય લેતી, કઠોરતા કપટી વિચારો,
વાણી ને વર્તને વિવેકી આપી, રાગદ્વેષ વિષ ઉતારો રે …. પ્રભુ
રોગ વધે તન-મન મૂંઝાણાં, ધન વધ્યું શાંતિ નસાડી,
આસુરી ધને શ્રેય મુકાવ્યું, અન્ન ખાતાં બુદ્ધિ બગાડી રે …. પ્રભુ
મન-બુદ્ધિ પ્રભુજી આપને સોંપી, તેને શુદ્ધ બનાવો,
પ્રાણની કામના નષ્ટ કરીને, પ્રાણ પ્યારા બની આવો રે …. પ્રભુ
આવો આવો હવે વાર ન કરતા, દિવ્યતા આપી દીપાવો,
અજ્ઞાન અંધારું જુગનું ઢાળી, જ્યોતિમાં જ્યોત સમાવો રે …. પ્રભુ
અમૃતનું પ્રભુ સિંચન કરજા, વાયુમંડળને શોભાવો,
અણુના અખતરાનાં અનિષ્ટ કર્મોને, આપ પ્રભુજી મુકાવો રે …. પ્રભુ
જગને બચાવો અથવા સંહારો, આપ સ્વતંત્ર વિચારો,
મંદ બુદ્ધિની અમારી અરજી, તમારું સમજી સુધારો રે …. પ્રભુ
સાચી શાંતિની ઝંખના સહુને, કાળ વિકરાળ ડરાવે,
પ્રભુ તારા વિનાનો હોય અભાગી, તેને કોણ બચાવે રે ? …. પ્રભુ
પાપી-કુકર્મીની વૃત્તિ સુધારી, આપમાં તલ્લીન બનાવો,
સાધુ ભાવોનું સિંચન કરીને, આપ જ સંતો દિપાવો રે …. પ્રભુ
અખંડ આનંદ આપનો આપી, શોકનો ભાવ હઠાવો,
શરણે આવ્યા સૌ સર્વે ભાવોથી, વિશુધ્ધ પ્રેમ જગાવો રે …. પ્રભુ
॥ ૐ ॥
જય સદગુરૂ 🙏🌹💐🕉