॥ ૐ ॥
(આત્મબળ વૃદ્ધિ)
પ્રભુ અમારું આત્મબળ, ધ્યાન રાખે પળ પળ,
શક્તિ સર્વ ધારણ કરતા, યુગો અનંત ધારે …૧
પ્રેમ પ્રભુનો, અચળ તાર, ધ્યાન રાખે ઉતારે પાર,
પૂર્ણ સદાય, પૂર્ણ રહીને, પૂર્ણ બનાવી તારે …. ર
શ્રદ્ધા સંયમ વિશ્વાસ એક, કલ્યાણ કરવું પ્રભુની ટેક,
શાંતિ આનંદ જ્ઞાન આપતા, કળા સુંદર બતાવે …. ૩
જ્ઞાન દીવો અમર ધામનો કદી ન ઠરે અખંડ પ્રભુનો,
બાળી વાસનાઓ સઘળી, વિદ્યા સત વધારે …. ૪
કૃતિ અનંત પ્રભુનું જ્ઞાન, આપે સહુને સાન-ભાન,
વસે સહુમાં સૌથી ન્યારો, સહુને એ જ નિભાવે …. પ
વિચિત્ર જાત, વિચિત્ર ભાત, જળ-સ્થળ અનોખી વાત,
ભાષા-ભેદ સહુના જાણી, સહુને શાંતિ આપે …. ૬
વિશ્વ આખું એક જ અંશથી, ધારણ કરતા શ્રેષ્ઠ બળથી,
દાનેશ્વરી એ યુગ યુગોના, સર્વ ગુણો દીપાવે …. ૭
મન-બુદ્ધિ શુદ્ધ કરે, એની શક્તિ પ્રભુ ભરે,
શીઘ્ર ગતિનો વેગ આપી, સમજ સાચી લાવે …. ૮
ગતિ પ્રભુની નહિ મપાય, સૌથી વિશેષ પ્રભુ સહાય,
કૃતિ અનંત ગુપ્ત ભેદ, પ્રભુથી સમજ આવે …. ૯
અનંત જન્મ કૃતિ સ્મૃતિ, નાશ કરતા ચંચળ વૃત્તિ,
આત્મા સૌનો સર્વ વિધાની, સૌને પ્રભુ ચેતાવે…. ૧૦
॥ ૐ ॥
🙏🙏 જય સદગુરુ 🙏🙏