|| ૐ||
પ્રભુ અમે જુગથી પડેલા, આપથી જુદા રે
જુદાઈ નથી કાંઈ કામની રે …. જી
આપથી વિરુધ્ધ અમો ભટકીને થાક્યા,
મચાવી દીધા શોરબકોર રે, માયાવી અંધકારમાં રે …. જી
આપનું આપેલું બધું, ગર્વથી અમારું કીધું,
હરામી બન્યા નિમકહરામ રે, આપ સાથે વેર બાંધિયું રે …. જી
કામ, ક્રોધના મોટા પાપે, આપ વિના વ્યથા વ્યાપે,
સૂઝે નહિ સાચો અમને રાહ રે, કૃપાળુ અમને તારજો રે …. જી
ભૂલના ભંડારો ભર્યા, એમાં અમે ડૂબી મર્યા,
કરો હવે જલદી અમને સહાય રે, અમૃત દઈ જિવાડજો રે …. જી
હૃદય દૂષિત એવું, આપને નવ રહેવા જેવું,
પાપથી એને કાળું કીધું રે, જ્યોતિ એમાં જગાવજો રે …. જી
વાણી-વર્ણન જૂઠાં રાખ્યાં, રાગ, દ્વેષ, ફળ ચાખ્યાં,
વૃત્તિ ને તૃષ્ણાથી છોડાવો રે, અભય દાન આપજો રે …. જી
શુધ્ધ બુદ્ધિ સાચી દેજા, કુબુદ્ધિને હરી લેજો,
ધ્યાનમાં બનાવી મસ્તાન રે, પ્રેમથી પ્રભુ બોલજો રે …. જી
તારો, મારો ભેદ ટાળી, વાસના મિલન બાળી,
હૃદયમાં નિવાસ જમાવી રે, પ્રેરણાઓ સાચી પ્રેરજો રે …. જી
|| ૐ||
જય સદગુરૂ 🙏🌹💐🌷🕉