|| ૐ||
પ્રભુ જલદી બોલાવી ધામમાં રાખ રે,
જગમાં નથી ગોઠતું રે જી …. ટેક
કલ્યાણ થાય તે નિયમો તારા
ઉત્તમ સિધ્ધાંત સત્યના સારા
તારા ઘડેલા નિયમો તોડે રે, જગમાં નથી ગોઠતું રે જી ….
સત્યનો મંત્ર તારો, દુઃખોને કાપે
હૃદયમાં શાંતિ, સદાય આપે
સત્યને છોડી ચાલે અસત રે, જગમાં નથી ગોઠતું રે જી ….
અહિંસાની અમૂલ્ય, બક્ષિસ તારી
વેરને વધારી, અહિંસા વિસારી
મચાવે ખોટા શોરબકોર રે, જગમાં નથી ગોઠતું રે જી ….
સમતા યોગ તેં ઉત્તમ આપ્યો
દયા કરીને ગીતામાં સ્થાપ્યો
ગીતા વાંચે, મૂકે ન રાગદ્વેષ રે, જગમાં નથી ગોઠતું રે જી ….
નિષ્કામ કર્મો, ભયને હાઠવવા,
ગીતામાં કહ્યું કામના સંકલ્પ તજવા
કામના રાખી કરે છે આરંભ રે, જગમાં નથી ગોઠતું રે જી ….
તપ કરે, યોગ કરે, મૌન રહે, ગર્વ કરે
ત્યાગી બની વન રહે, બધું કરી ગર્વ ધરે
ધનની તૃષ્ણાથી બનતા લાચાર રે, જગમાં નથી ગોઠતું રે જી ….
તપ કરે યોગ કરે ગર્વ તજી મૌન રહે
વન રહે, ઘર રહે, બધું કરે પ્રભુ કહે
ધન તજે, તૃષ્ણા તજે, લક્ષ પ્રભુમાં જ રહે
આશાની તોડે એ ફાંસી રે, હૃદયમાં એવું ગોઠતું રે જી ….
દૈવી સંપત્તિ સાચી મુક્ત બનાવે
પ્રભુની નિર્દોષ વાણી જણાવે
વૃત્તિઓ આસુરી ભાવે ભેળાણી રે, જગમાં નથી ગોઠતું રે જી ….
શ્રીકૃષ્ણ જગતગુરુ, જુગના જૂના જ્ઞાની
પૂર્ણાનંદ, સંપૂર્ણ, પૂરેપૂરા ધ્યાની
એની દૃષ્ટિમાં દિવ્યતા ભરેલી રે, વિશ્વંભર વિશાળ હૃદયનો રે જી….
ત્રિકાળજ્ઞાની, ગુરુની અમૃતવાણી
અમૂલ્ય સાચી વેદમાં વખાણી
મોહે અંધ થઈ તેને નહિ પાળી રે, જગમાં નથી ગોઠતું રે જી ….
અંતર્યામી, અંતર નથી રાખતો
સ્નેહ કરીને ધામમાં લાવતો
દેહનું હું પદ કાઢી નાખી રે
અવિનાશી ખંતથી બનાવતો રે …. જી …. (હા)
|| ૐ||
નિમ્ન કોટિની પ્રકૃતિ હઠીલી છે, વિષયો તરફ જનારી છેઃ તેને પરમાત્મા તરફ વાળવી જાઈએ.
|| ૐ||
|| ૐ||