॥ ૐ ॥
(ભૈરવી રાગ)
પ્રભુ તારા સંગમાં, એક જ રંગ,
પડે નહિ કદીયે, રંગમાં ભંગ …. ટેક
તારી એક દિવ્યતા સાચો એ સંગ,
જ્ઞાન રૂપ પોતે જ, દીપાવે અંગ …. પ્રભુ
તારા રંગે રંગજે, હૃદય એવું,
ખોટી ભાત બીજાથી, દૂર જ રહેવું …. પ્રભુ
નેત્ર તૃપ્ત રાખજા, આપમાં જાવું,
ભાવ સાચો સ્થિરતા, આપને કહેવું …. પ્રભુ
તારાં થાય દર્શન, ઘટોઘટ વાસી,
ભૂલું નહિ તુજને, તારો પ્રેમપ્યાસી …. પ્રભુ
પ્રેમ તારો ભરતી, અમૃત રહે વરસી,
ભીંજે એવું હૃદય, તારે માટે તલસી …. પ્રભુ
નથી તારા જેવો એ, કોઈ બીજા દાની,
વૃત્તિ રહે તારામાં, એક જ ધ્યાન ધ્યાની …. પ્રભુ
ગર્વ છોડી રહેવું, પૂર્ણ તારી નિશાની,
નીરવ શાંતિ સઘળે, તુંહી તુંહી જ્ઞાની …. પ્રભુ
॥ ૐ ॥