॥ ૐ ॥
પ્રભુ સત્ય જ્ઞાનનો પ્રકાશ દીપાવો, અમારા હૃદયમાં જ્યોતિ જગાવો- ટેક
પ્રભુકૃપા કરીને સંશય હઠવો …. પ્રભુ સત્ય
અનેક જન્મોની સ્મૃતિ ભુલાણી, સૂરતા જડતાના મોહે ફસાણી
વૃત્તિ વાળીને આપ બચાવો, …. પ્રભુ સત્ય
સ્મૃતિ-વિસ્મૃતિના વમળ મૂંઝાવે, ખોટાં કર્મોનો શણગાર સજાવે
પકડી હાથ પ્રભુ રાહે ચલાવો, …. પ્રભુ સત્ય
વિશાળ પૃથ્વી કદી ના મપાણી, એમાં ઉગાડી વૃક્ષોને પાયાં તમે પાણી
તમારા પ્રેમથી સહુને ખિલાવો, …. પ્રભુ સત્ય
વૃક્ષ અનેક છતાં એક નહિ ભૂલો, તમારી કૃતિઓનાં મોંઘેરાં મૂલો
વિધવિધ કાપણી ને કૃતિઓ છુપાવો, …. પ્રભુ સત્ય
પૃથ્વીનાં વૃક્ષોની ગણતરી કેવી, કરોડો માનવને ન સમજાય તેવી
ગુણ અનંત છતાં પણ છુપાવો, …. પ્રભુ સત્ય
મીઠો, તીખો અને અનંત રસનો ખજાનો, રસ ભરતાં દિન-રાત અદ્ભૂત મજાનો
પ્રભુ જેવોં વિજ્ઞાની નથી કોઈ થવાનો …. પ્રભુ સત્ય
સમુદ્ર ને નદીઓમાં જળ છે અણતોલ્યાં,
જીવજંતુ અનંત એને કેમ જાય ખોળ્યાં
સૂર્ય-ચંદ્રને અગ્નિ બનાવો …. પ્રભુ સત્ય
આપનું તેજ સહુમાં પ્રકાશે, વધઘટ એમાં કદી નહિ થાશે
કોટિ સૂર્યો સમ જ્યોતિ પ્રગટાવો …. પ્રભુ સત્ય
ભૂત-પ્રાણી માત્રનાં ભાવિ ઘડનારા, પ્રેરણા આપીને દુઃખ હરનારા
ભક્તિ ને શક્તિથી દિવ્યતા લાવો …. પ્રભુ સત્ય
તમારું સ્વરૂપ સત્ય આપ જ જાણો, સમજાવો આપ જ, મટે ખેંચતાણો
પ્રભુજી સદાકાળ આપમાં સમાવો …. પ્રભુ સત્ય
॥ ૐ ॥
પ્રભુ સત્ય જ્ઞાનનો પ્રકાશ દીપાવો