|| ૐ||
પ્રભુ સાચો પકડેલો રાહ તારો રે
જગત જાળમાં નહિ પડું રે જી ટેક
જગતનો ઝેરી વાયુ અંગડાં ધ્રુજાવે
તન-મન ઉપજાવે સંતાપ રે,
આશા-તૃષ્ણાના વાયરા રે જી ….
રાગદ્વેષની રોજ વાતો સાંભળવી
ગર્વ ભરેલાં ખોટાં વેણ રે
મમતા, મોહના ફાંસલા રે જી ….
ઈન્દ્રિયોનું સાચું માની, નથી બનવું કદી કામી
એને ઊલટી દિશાથી પાછી વાળી રે
સંયમ કરીને જીવવું રે જી ….
નાડી ને પ્રાણ સ્થિર, બુદ્ધિમાં સ્થિરતા
પ્રભુમાં રહે દિન-રાત રે,
દીપાવે પ્રકાશ પ્રેમથી રે જી ….
અખંડ આનંદની હૃદયમાં ભરતી
પ્રેરણા વિજય કરનાર રે
સંદેશા આવે શાંતિના રે જી ….
જ્ઞાનની જ્યોત જાગ, આઠે પહોર મસ્તી
જીવનમાં ભરીને સુગંધ રે
પવિત્ર બનાવે સ્નેહથી રે જી ….
તૃષ્ણા ને લોભ કદી ન સતાવે
પ્રભુને પ્રસન્નતાનું તેજ રે
વિસ્મય પમાડે વિશ્વને રે જી ….
વાણી મધુર એનાં તન-મન ઊજળાં
નેત્રથી વર્ષાવે સાચાં નૂર રે
ધોઈ નાખે કાળાં કાળજાં રે જી ….
સુકાન સંભાળો પ્રભુ, શક્તિમાન સૌથી વધુ
સદાની મૂંઝવણ ટાળી રે
પ્રાણમાં પ્રાણ સમાવજે રે જી ….
પ્રાણને તું જ દેતો, પ્રાણ ને તું જ લેતો
એક ક્ષણ પડે નહિ પ્રાણ જુદો રે
ધ્યાન રાખીને સંભાળજે રે જી ….
અવિનાશી અમરધામથી બોલાવે
મુકાવી ભાવ વિનાશી રે
ધામમાં સદા રાખવા રે જી ….
|| ૐ||