|| ૐ||
પ્રસન્ન ચિત્ત સદાનું
પ્રસન્ન ચિત્ત સદાનું, બ્રહ્મભાવ સત્ય તેનો,
શોક નવ કરે કદાપિ, આશાનો ત્યાગ એનો. ઠેક
ભૂત-પ્રાણી માત્રમાં છે, સમભાવ વૃત્તિ ધારી,
સાચો પ્રભુનો પ્રેમી, પરા ભક્તિ તેને પ્યારી . …૧
પ્રભુ વચન કહે ગીતામાં, હુ કોણ ને છું કેવો,
યથાર્થ તત્વજ્ઞાને, સમજી પ્રવેશે તેવો …. ર
મારામય બનેલો, આજ્ઞાથી કર્મો કરતો,
મારી પ્રસન્નતા પામી, અવિનાશી બનીને ફરતો …. ૩
મન સાથે સૌ સમર્પણ, મુજને કરી જે ધારણ,
બનતો મારા પરાયણ, છૂટે તેનું પારાયણ …. ૪
મારો બૃદ્ધિયોગ લઈને, મારાં ચિત્તવાળો થઈને,
મારી કૃપાથી સર્વે સંકટ ઓળગીં જઈને …. પ
અહંકારથી જા મારાં, વચનો ન માન્ય રાખ્યાં,
તો નાશ થાશે તારો એવાં વચન ભાખ્યાં …. ૬
અહંકારથી કહે છે, મારે નથી જ લડવુુઁ,
નિશ્ચય તે ઠરશે મિથ્યા, તારે જ યુધ્ધ કરવું ….૭
પૂર્વ જનમનાં કર્મો, પરવશ બની કરાવે,
એવા અટલ નિયમનું પાલન સદા કરાવે ….૮
સંસાર રૂપ યંત્રે, સર્વે ચડેલાં પ્રાણી,
માયા વડે ભમાવે કર્મો સહુનાં જાણી ….૯
સાક્ષી સદાય જાતો, એનો મળે ન જાટો,
સહુના હૃદયમાં રહેતો, એનો નિયમ ન ખોટો ….૧૦
સર્વ ભાવથી તું, ઈશ્વરશરણ ગ્રહણ કર,
પરમ શાંતિ પામી, પદ અમર ધારણ કર ….૧૧
આ ગુપ્તમાં જ્ઞાન ગુપ્ત પ્રેમે તને, કહું છું,
પૂરેપુરું વિચારી, ઈચ્છા સિદ્ધિ દઉં છું. ….૧ર
સર્વેથી પણ વધારે, વચન ગુપ્ત મારું હિતકર,
પ્રતિજ્ઞાથી સત્ય કહું છું, વહાલો મને છે પ્રિયત્તર ….૧૩
અર્જુન કહે અચ્યુતને, મોહ નષ્ટ પામ્યો મારો,
એ આપની કૃપા છે, સ્મૃતિ, સાચો પ્રસાદ તમારો ….૧૪
સ્વધર્મ કર્મ, આત્મ, જ્ઞાને સ્મૃતિ જગાવી,
સંશયરહિત થઈ ગયો, બીજું ખોટું ફગાવી ….૧પ
અર્જુન કહે પ્રભુને, મોહ, શોક નથી ધરવા,
તૈયાર થઈને ઉભો, કરીશ કહો તે કરવા. ….૧૬
|| ૐ ||
પ્રસન્ન ચિત્ત સદાનું, બ્રહ્મભાવ સત્ય તેનો,