॥ ૐ ॥
(રાગ : યમુના જળમાં કેસર ઘોળી)
પ્રેમ ભરેલા હૃદયે રાખું, પ્રાણથી પ્રિય છો આત્મા
મારાં બંધન તોડી નાખું, તમારા સાચા એ વહાલમાં …. ટેક
ધ્યાન રાખીને અમીદૃષ્ટિ, નીરખું ભરીને ખ્યાલમાં,
બોલો હસતા સ્મિત કરીને, મધુર વાણીના પ્યારમાં ….
આવો કહીને બોલાવો અમને, ઈશારો કરીને સાનમાં,
ભાન તમારા વિનાનું નકામું, ભરી દો શબ્દ એ કાનમાં ….
જૂની પ્રિતને ભૂલતાં દુઃખ છે, સમજ ભરો એ ભાનમાં,
ભૂલ સુધારી કરજા સુધારો, રહીએ સદાએ તાનમાં ….
ગર્વ બાળીને સુગંધ ભરજા, જીવનકળા છે આપમાં,
પ્રાણ તૃપ્ત ને શાંતિ આપતા, વિકાસ વધારો સાથમાં ….
રાગદ્વેષમાં કદી ન પડીએ, રાખજા તમારા જ્ઞાનમાં,
લક્ષ તમારું ચૂકીએ નહિ ને રહેવું આપના ધામમાં ….
આદિ સંતમાં વ્યાપક રહેજા, ગુંજન તમારા નાદમાં,
દેહ દશાનું ભાન જ ભૂલીએ, દિવ્યતા નાદના પ્યારમાં ….
તાર તમારો સંકટ હરતા, રસ્તો બનાવો ખ્યાલમાં,
ઊંધા અવળા ભૂલ ન કરીએ, સ્થિર તમારા પ્રકાશમાં ….
હાથ થોભીને પકડી રાખજા, નિર્ભય નિશાન આપમાં,
મંત્ર આપનો આપમાં રહેવું, અભય સદાયે કામમાં ….
આપ કૃપાથી હૃદય ખીલતું, સંકોચ બને ન ભારમાં,
સાચા ધ્યાનનો વિકાસ તમારો, અમૂલ્ય હાજરી પ્યારમાં ….
॥ ૐ ॥
🙏🏼જય સદગુરૂ 🙏🏼