॥ ૐ ॥
બ્રહ્મસ્વરૂપનું હૃદયમાં દર્શન, કરવા શ્રમ અથાગ …. રે
બ્રાહ્મણ બ્રહ્મનાં દર્શન માટે, તપયોગ, પ્રાણબળ પાસ …. રે ટેક
સત્ય, અહિંસા, શમ, દમ ધરીને, બનાવ્યું હૃદય વિશુદ્ધ …. રે
વેદશાસ્ત્રનો અભ્યાસ કરીને, આળસ ન રાખ્યું અંગ …. રે –બ્રહ્મસ્વરૂપનું
મન, વચન ને કર્મ વિશુદ્ધિ, સાર્થક જીવન શુદ્ધ …. રે
અનાદિ કાળથી ગુરુપદ મેળવ્યું તેજથી દીપાવ્યું ખાસ …. રે–બ્રહ્મસ્વરૂપનું
જ્ઞાનપ્રકાશનો ઊજળો દીવો, કદી નહિ ઓલાય …. રે
અખંડ આનંદ, અભય શાંતિ, જ્ઞાન ને નિર્મળ સાન …. રે –બ્રહ્મસ્વરૂપનું
અચળ સમતા ધારણ કરીને, વૃત્તિ બ્રહ્મસંધાન …. રે
યોગેશ્વરનું હૃદય ખોલીને, દિવ્ય જ્ઞાન મેળવ્યું ખાસ …. રે –બ્રહ્મસ્વરૂપનું
મોહ-શોક છોડી જાગૃત બનવા, આવ્યો છે બ્રહ્મસંદેશ…. રે
ઉપાધિ તજીને બ્રહ્મને મળવા, બ્રહ્મદૃષ્ટિ છે શ્રેષ્ઠ …. રે–બ્રહ્મસ્વરૂપનું
બ્રહ્મની નિષ્ઠા બ્રહ્મ બનાવે, સાચો અટલ સિદ્ધાંત …. રે
ભ્રમને છોડી, બ્રહ્મને ભજતા, પ્રેમ આનંદ પ્રસાદ …. રે–બ્રહ્મસ્વરૂપનું
ગર્વ દેહનો છોડી દેવો, કામના કરવી ત્યાગ …. રે
આત્મજ્ઞાનનો અમૂલ્ય ખજાનો, મેળવો રાખી ખંત …. રે–બ્રહ્મસ્વરૂપનું
બ્રહ્મનિષ્ઠના કુળમાં જન્મ્યા, કુળદીપક છો ખાસ …. રે
બ્રહ્મનિષ્ઠના માર્ગે ચાલી, બ્રહ્મસંબંધ પ્રત્યક્ષ …. રે–બ્રહ્મસ્વરૂપનું
ઈન્દ્રિયનિગ્રહ સંયમ પાકો, સૂક્ષ્મ બુદ્ધિ વિશાળ …. રે
અમર લોકના તમે અવિનાશી, જ્યોતિ બ્રહ્મ પ્રકાશ રે …. રે–બ્રહ્મસ્વરૂપનું
આધ્યામિક પંથનો પહેલવહેલો પાયો “અભયતા” જાઈએ.
બ્રહ્મસ્વરૂપનું હૃદયમાં દર્શન, કરવા શ્રમ અથાગ …. રે
॥ ૐ ॥