॥ ૐ ॥
બ્રહ્મ જ્ઞાનના તેજથી (ર) બ્રહ્મવિધા સૌમાં દીપાવો રે
સત્ય ધર્મનો પ્રકાશ પાથરી, વિશ્વમાં ડંકો બજાવો રે …. ટેક
ભ્રમણાના ભેદેથી નિર્બળ સર્જન ખોટું થાતું,
સમતા, ગુણ ને દિવ્ય દૃષ્ટિથી એકતા અવિચળ સ્થાપો રે …. બ્રહ્મ
પૃથ્વી પરના પ્રાણી માત્રમાં વિશુદ્ધ પ્રેમની વૃદ્ધિ,
સત્ય પ્રેમશક્તિ મોટી, મળતાં સાચી સિધ્ધી રે …. બ્રહ્મ
વિશુદ્ધ હૃદયમાં વિશાળ ભાવો કર્તવ્ય ઉત્તમ કરવા,
વિવેક –વિચારે, સાચી ટેકથી, નિર્ભય શિખરો ચડવાં રે …. બ્રહ્મ
શત્રુતાનો ભાવ નસાડી શોક મોહને ત્યાગો,
રાગદ્વેષનાં વિષ ઓકીને, અખંડ શાંતિ સ્થાપો રે …. બ્રહ્મ
સાથે મળી, સૌ હિત વિચારી હિતનાં કાર્યો કરવાં,
અભિમાનનો ત્યાગ કરીને, સત્યસ્વરૂપમાં ઠરવું રે …. બ્રહ્મ
આત્માનો દૃઢ નિશ્ચય રાખો ભૂલ-કપટ ખાનગી કાઢો,
જીવન સફળ બનાવી સૌનું, અમર સ્વરૂપ દીપાવો રે …. બ્રહ્મ
મનના વેગને સ્થિર બનાવી અખંડ આનંદમાં રહેજા,
સંયમ રાખી નીરવ શાંતિમાં, વીર બનીને રહેજા રે …. બ્રહ્મ
અનાદિ કાળથી ગુરુ તમે છો તે પદને શોભાવો,
કૃપા કરી, પ્રભુ એ પદ આપે, અંતરના ઉદ્ગારો રે …. બ્રહ્મ
॥ ૐ ॥
🙏🏼જય સદગુરુ🙏🏻