મહાવીર ભગવાનનું ભજન

॥ ૐ ॥


મહાવીર ભગવાન જ્યોતિર્ધર, જ્યોતિ લઈને આવ્યા

કેવળ જ્ઞાની કેવળજ્ઞાનથી, જીવન અનેક સુધાર્યાં …. રે

વર્ષો અઢી હજાર વીત્યાં, પ્રકાશ સૌને દેતાં  …. રે

પ્રેરણા સત્ય હૃદયમાં આપી, મોહ-શોક હરી લેતાં …. રે

આકર્ષણ અમર વાણીનું, દેવ-મનુષ્ય સૌ સુણતા …. રે

પશુ-પક્ષી વાણી સૂણીને, સમતા ધારણ કરતા …. રે

નિર્મળ-નિર્દોષ વાણી એવી, રાગદ્વેષથી ન્યારી …. રે

જન્માંતરની સ્મૃતિ અપાવે, સૌને લાગે પ્યારી  …. રે

વેરઝેરથી, અનિષ્ટ કરતા, ઉપદ્રવ અનેક વધારે …. રે

શત્રુતાથી સંહાર કરતા, એવાનું જીવન સુધારે …. રે

કર્મોનાં ગૂઢ રહસ્ય ખોલે, ભેદ સહુ સમજાવે …. રે

સત્ય-અહિંસા-દયા ને કરુણા, શાંતિ સાદ વર્ષાવે …. રે

બ્રહ્મચર્યનો મજબૂત પાયો, દૃઢતા અચળ વ્રતધારી …. રે

તપમાં, જ્ઞાનમાં, ધ્યાનમાં પૂરા ત્યાગી, આત્મબળ ધારી …. રે

મન-વચનન ને કાયા ગુપ્તિ, ત્રણે ગુપ્તિમાં વીરતા …. રે

સાધ્ય કરી ત્રણે ગુપ્તિને, વાસના સઘળી ત્યાગી …. રે

વિશ્વ આખાને પ્રેમ ભરીને, અમૃતની દૃષ્ટિ આપી …. રે

ભ્રમણામાં  ભટકતા ઉગાર્યા, કષ્ટો નાખ્યાં કાપી …. રે

કઠિન તપસ્યા કરી-કરાવી, કેવળ જ્ઞાની બનાવ્યા …. રે

કર્મ-કુશળતા તપમાં વાપરી, દિવ્યતા તે જ દિપાવ્યા …. રે

આકાશથી આસન ઊંચું તમારું, પ્રાણ છે ઊર્ધ્વ ગતિના …. રે

ઉદ્ધાર કરવા જગમાં આવ્યા, પ્રજ્ઞાધારી સતના …. રે


॥ ૐ ॥