॥ ૐ ॥
(પરમ પૂ. માવજી બાપાની સ્થિતિ)
માવજી ધોબી કપડાં ધુએને, શલ્યા રુદન કરે રે …. લોલ ૧
સુરતા શલ્યા પર કપડાં પછાડે, ઊજળા અતીશે બને રે …. લોલ ર
કરવું ભરવું ભેદ નથી એને, ગુલામી એને બાંયે નહિ રે …. લોલ ૩
ઊજળી જ્યોતિમાં આગમ સૂઝે, દૃષ્ટિ એની દિવ્ય ખરી રે …. લોલ ૪
અખંડ સ્મૃતિને સત્યનું ભાવિ, ઘડનારો ઘાટ ઘડે રે …. લોલ પ
મુડદું બન્યો છે માવજી બાપા, માયલો મરી ગયો રે …. લોલ ૬
મારવા માયલો, મથતા ઘણાયે, વાતો કરી મૂંઝાઈ જતા રે …. લોલ ૭
મુડદાંનો ખોરાક કાળને ખાતો, મુડદું કાળ જીતી જતું રે …. લોલ ૮
રાગદ્વેષ મુડદાંને નહિ થાશે, પ્રેમ કે વેર જાણે નહિ રે …. લોલ ૯
ઓળખ્યો સાચો આત્મા જાણી, ચૈતન્યમાં ડૂબી રહે રે …. લોલ ૧૦
ઓળખ બીજી અળખામણા બનાવે, એમાં સત્ય સાર નથી રે …. લોલ ૧૧
ભીતર ભેદીએ, રહી ભેદ જાણ્યો, અખંડ શાંતિ એની રહી રે …. લોલ ૧ર
કહેવું વાણીથી, વાત મૂકી દીધી, રહેવું ભીતર સત્ય ગણ્યું રે …. લોલ ૧૩
દેહની સાથે સંઘાત નથી રાખ્યો, આઘાત એને નડે નહિ રે …. લોલ ૧૪
આત્મા નિર્દોષ, નિર્મલ અનાદિ, અમર ધામ વાસી સદા રે રે …. લોલ ૧પ
॥ ૐ ॥