મિથ્યા રૂપ મહીં તું શાને લોભાણો ?
દ્રષ્ટિ દોષ ધરીને તું શું કમાણો?
કાનથી તેં શાસ્ત્ર શ્રવણ ન કીધું,
સંસારમાં ભૂલી વિષય ઝેર પીધું.
અંધારામાં ગોથાં તેં તો ખાધા,
હવે ભજ ગોપાલ શ્રીક્રુષ્ણ- રાધા,
જેને તારાં માન્યાં તે સાચા ન કોઇ,
કાળ ઝડપી જશે બધા રહેશે રોઇ.
અમર નામ કેરું તું હવે જતન કર,
ગુરુના વચન પર અડગ શ્રધ્ધા ધર,
છોડી દે જગતની એમ મતા,
ગરીબ ને શ્રીમંત સહુ જાશે રમતા.
બાજીગરની સૌ રચના છે ન્યારી,
જઇ સંતને ચરણે તો મટશે ખુવારી,
હાડ-માંસ, લોહી, ચર્મથી મઢેલું,
અતિ દુર્ગંધયુક્ત મળથી ભરેલું.
નાશવનંત દેહ સૌ સંત બતાવે,
છતાં પાપી ભૂલીને સ્નેહ લગાવે,
ગર્ભવાસમાં કોલ દીધો પ્રભુ ભજવાને,
તેને ભૂલી જઇશું અહીં તજવાને.
કહે સાધુ-ભક્ત, હવે તું હ્રદય ધર,
કહીં દીધું સાચું, હવે તું ભજન કર.