॥ ૐ ॥
(ભજન) ૭
મીરાંના પ્રેમમાં ગિરધર ગોપાળ ….હાં …. હાં ….હાં
મર્યાદા મૂકીને નાચમાં આગળ ….૧
નાચવું ગિરધર ગોપાળ સાથે ….હાં …. હાં ….હાં
પ્રાણના પ્રીતમ તાલ દે હાથે …. ર
પુરાણા પ્રેમને હૃદયે ભરતો ….હાં …. હાં ….હાં
સુંદર મંગળ નાચમાં ફરતો …. ૩
નાચવું લોકની લાજ છોડીને ….હાં …. હાં ….હાં
પ્રગટ ગિરધર ગોપાળ કહીને …. ૪
પ્રેમનો ખજાનો પ્રાણથી પ્યારો ….હાં …. હાં ….હાં
દિવ્ય દૃષ્ટિમાં સહુથી ન્યારો …. પ
વાંસળી વગાડે મધુરા સ્વરની ….હાં …. હાં ….હાં
નાચવું પ્રેમથી કળાએ શિખરની …. ૬
ગિરધર ગોપાળ બનાવે પાગલ ….હાં …. હાં ….હાં
પ્રેમથી નાચતા હૃદયના ઘાયલ …૭
વિશ્વ આખાને નાચ નચાવે ….હાં …. હાં ….હાં
વાસના છોડાવી પ્રાણમાં સમાવે …. ૮
॥ ૐ ॥
મીરા ગિરધર ગોપાળ સાથે નાચીને મૂર્છા આવતાં પડી જાય છે. રાણા વિક્રમાજિતને હવે શું કરવું તેની સમજ પડતી નથી. ઉદા અને તેની સાથે બીજી છોકરીઓ હતી. તે ઓરડામાં મીરાંનો દિવ્ય પ્રેમ જાઈને કાંઈ બોલી શકતી નથી. પ્રેમના એક જ તારથી ગિરધર ગોપાળનું નાચ સાથેનું ભજન સાંભળીને મુગ્ધ બને છે. ઉદા મીરાંના ચરણમાં પડીને રડવા માંડે છે. મીરાં સંબંધી સાચી ખોટી વાતો કરીને જે ઊંધી સમજ ફેલાવેલ તે સંબંધી તેને હૃદયથી ઘણો ખેદ થાય છે. મીરાંની ભક્તિ સુવાસ દૂરદૂર દેશાવરમાં ફેલાઈ જાય છે. લોકો મીરાંના દર્શન કરવા દૂરદૂરથી જુદાં જુદાં સ્થળથી આવવા લાગ્યા. રાજમહેલમાં લોકોની ભીડ જાઈને રાણા વિક્રમાજિત વધારે રોષે ભરાય છે. લોકો મીરાંના દર્શન માટે આવે છે તેનાથી તે સહન થઈ શકતું નથી. મીરાં રાજપાટ અને લોકલાજ બંને તજીને વૃંદાવન જાય છે. વૃંદાવન પહોંચીને મીરાંનું એક જ કામ રહે છે. મંદિરોમાં પ્રભુની મૂર્તિ સામે કિર્તન કરવું. પ્રેમની મૂર્તિ મીરાંને જે કોઈ દેખતા તેમનું ભક્તિથી મસ્તક નમી પડતું. વૃંદાવન પહોંચીને મીરાંને એમ લાગ્યું કે પોતાના ઘરે પહોંચી ગઈ છે. ત્યાંના એકેએક વૃક્ષ-લતાની સાથે તેમનો પૂર્વજન્મનો પરિચય હતો તેમ લાગે છે. વૃંદાવન મીરાંના જન્મોજન્મના સાથી ગિરધર ગોપાળનો દેશ લાગે છે.
॥ ૐ ॥