॥ ૐ ॥
પ્રાણનો દીવો કરીને પ્રભુને ગોતનાર મસ્ત મીરાં
સૂચનાનું બરાબર પાલન કરવું
(૧) મીરાંનું આખ્યાન લખવામાં દૃષ્ટાંતો લીધા જ નથી, સત્ય રીતે પ્રેમ પ્રગટ થઈને પરમાત્માનાં દર્શન કરે, એ જ લક્ષ છે, સત્ય કલ્પનાના દૃષ્ટાંતોથી સિદ્ધ કરવા પ્રયાસ નથી કર્યો.
(૨) જુદાં જુદાં સ્થળે મીરાં સંબંધી અનેક વાતો મળે છે, તે વાદવિવાદમાં પડવું ઠીક નથી.
(૩) પ્રેમનો વિશુદ્ધ હૃદયમાં તાર બાંધીને, સતત પ્રેમમાં પાગલ થનાર, મીરાંના ભજન સાંભળી, ગિરધર ગોપાળ સામે જ આવે છે. મીરાંના પ્રેમની અનંત પરીક્ષામાં મીરાં પાસ થાય છે અને પ્રત્યક્ષ પ્રભુને, તેના પ્રેમમાં બંધાવું પડે છે, ધન્ય છે જીવનની સાર્થકતા.
(૪) ભજનો ભીતરની પ્રેરણા પ્રમાણે લખાણાં છે, કેવળ પ્રભુનો જ પ્રેમ વધારનારા.
(૫) ખોટી વાતો રાગદ્વેષવાળી બંધ કરવી જાઈએ. જ્યારે નિરર્થક વાતો બંધ કરી દેવામાં આવે, તો જ સાચો પરમાત્મામાં પ્રેમ પ્રગટ થાય.
(૬) પ્રેમના એક જ તારમાં ખાવા-પીવાનું ભુલાય, સંસારી નાશવંત વસ્તુનો મોહ ઓછો કરીને, અંદરની પ્રેરણા પ્રમાણે, એક જ પ્રેમથી રટણ કરવું , પ્રભુ પ્રગટ થવા માટે જ.
(૭) વિરહની અગ્નિમાં બળીને રાખ થવાની પૂરી તૈયારી જાઈએ. ખોટો દેખાવ કરવાની રીત કદી અજમાવવી નહી.
(૮) પ્રેમ સાચો જ જાઈએ. ઉત્તમોત્તમ ભાવનાવાળો, ઈન્દ્રિયોના પ્રેમથી નિરાળો, ચૈતન્યની સાથે જ સંબંધવાળો જાઈએ. એવો પ્રેમ પ્રગટ થાય ત્યારે જ રૂપાંતર થઈ બધીવાસના બળીને દિવ્યતા પ્રગટ થાય.
(૯) જગની ચીજોનો મોહ તજીને, ગર્વ તજીને જ પરમાત્મામાં મળી શકાય.
(૧૦) સર્વસ્વ પરમાત્માનું, પરમાત્માને સમર્પણ કરીને જ વર્તમાન જીવન જીવવુંં
(૧૧) બુદ્ધિનું ડહાપણ તજીને પરમાત્માના પ્રેમમાં હૃદયના સરળ ભાવથી રહેવું.
(૧૨) પ્રાણનો સંયમ કેળવવો ખાસ જરૂરી છે.
(૧૩) આખ્યાન કરતાં વાણીનો સંયમ જરૂરી છે. તો જ પ્રાણમાં બળ રહે. ભજન બોલવાં તે નાભિથી જ.
(૧૪) ખોટી નિરર્થક વાતો સાંભળવી અને કરવી બંધ કરવી. તો જ પરમાત્માની ભક્તિનો પ્રેમ-રસ જાગૃત બને, નહિતર પ્રભુને છેતરવાનું બને. તે ન કરવું.
(૧૫) મીરાંનુ આખ્યાન માત્ર શબ્દો જ પકડવામાં નથી, શબ્દો તો હૃદય ખોલવા માટે છે.
(૧૬) અર્થનો અનર્થ એમ ન કરવો કે કેવળ ગિરધર ગોપાળનું જ ભજન કરવું . જેના જે ઈષ્ટદેવ હોય તેને તે જ ઈષ્ટદેવમાં જ શ્રદ્ધા રાખવી. પરિણામ પરમાત્માની પ્રાપ્તિથી જ આવે છે, તેમાં જરા પણ શંકા નથી.
(૧૭) પ્રભુનાં રૂપો બધા અનંત છે. એક જ ઈષ્ટ, જે ભીતરમાં પ્રસન્ન કરેલા હોય, તેમાં જ નિષ્ઠા પાકી કરવી. ઈષ્ટમાં અનિષ્ટ ભાવ કદાપિ આવવો જાઈએ નહિ, તો જ ઈષ્ટ ઈષ્ટ રહે છે.
(૧૮) ગીતા અધ્યાય ૧૦, શ્લોક ૯ બરાબર હૃદયમાં ધારણ કરીને, તે પ્રમાણે આચરણ કરવું પરમ આવશ્યક છે તે ન ભૂલવું.
मच्चित्ता मदगतप्राणा बोधयन्तः परस्परम ।
कथयन्तश्च मां नित्यं तुष्यन्ति च रमन्ति च ॥
તેઓ મારામાં ચિત્તવાળા, મારામાં પ્રાણવાળા, પરસ્પર મારો બોધ કરતાં અને મારી કથા કરતાં સદા સંતોષ પામે છે તથા આનંદી રહે છે. (ગીતા અ. ૧૦, શ્લોક ૯ )
॥ ૐ ॥