॥ ૐ ॥
(રાગ : ગઝલ)
વસે સહુમાં છતાં અળગો, અટલ સિધ્ધાંતધારી છે,
અમૂલ્ય પ્રભુતણી કિંમત, અધિકથી અધિક વધારે છે.
સંદેશો અદૃશ્ય રહી દેતો, સર્વજ્ઞ સત્ય વિજયી છે,
છતાં સહુની ખબર લેવા, સહુની પાસ આવે છે …. ૧
॥ ૐ ॥
ધારેલી ધારણા પ્રભુની, કદી નિષ્ફળ નથી પડતી,
પ્રભુમાં અડગ રહે શ્રદ્ધા, સદા એની રહે ચડતી.
સદાયે ધ્યાન રાખીને, વિપત્ત વાલમ નિવારે છે,
હારેલાને હિંમત આપી, પ્રભુ પોતે સુધારે છે …. ર
॥ ૐ ॥
પ્રભુનો સ્પર્શ થઈ જાતાં, નથી જડતા રહી શકતી,
વિરોધી વૃત્તિ શુદ્ધ બનતી, પ્રભુના પ્રેમની ભરતી.
સંયમ પાકો પ્રભુ નિષ્ઠા, ઊણપ નહિ આવવા દેતા,
હૃદયમાં પ્રેરણા આપી, કુશળતા એની વાપરતા…. ૩
॥ ૐ ॥
સદાયે સર્વ યુગોમાં, પ્રભુજી પ્રકાશ આપે છે,
છતાં એ વ્યય નથી બનતો, એવા પ્રકાશધારી છે.
અવિનાશીથી સત સૂઝે, અમર એ કામ પ્યારું છે,
અમર એ ધામમાં જ સદા, પ્રભુ સાન્નિધ્ય સારું છે …. ૪
॥ ૐ ॥
પ્રભુ આપે છતાં કોઈ, નહિ દેખે એ રીતોથી,
સદા પાલક, સદા સહાયક, ગૈબી ગુપ્ત શક્તિથી.
કદીયે ન થાક લાગે છે, સહુ કર્મોનો જાનારો,
સદાયે સાક્ષી સૌનો એ, સનાતન એનો સુધારો …. પ
॥ ૐ ॥