વાદળાં ચડી આકાશે

॥ ૐ ॥

(વાદળાનું ભજન)

(રાગ : મઢ)


વાદળાં ચડી આકાશે બનીને આવે રે

બધી વાસના વાદળ, લાવતા હો …. જી …. ટેક

વાદળાં ભલેને આવે, ક્ષીણ વાદળ થઈ જાયે,

સમજ હૃદયે અચળ, જ્યારે એવી રે

                વાદળ રૂપથી નહિ ડરે હો …. જી …. ૧

મનનું વાદળ માને, તનનું વાદળ માને

ક્રિયાશક્તિ બધી, વાદળ માને રે

                રાગ-દ્વેષ-કામ-ક્રોધ, વાદળાં  …. જી …. ર

કામનાનાં બધાં રૂપો, વાદળાં સમજવાં,

વાદળ મોટું બુદ્ધિની, ચતુર ચાલ રે,

                સાચી ખોટી કલ્પના, ગૂંથાણી હો  …. જી …. ૩

વસ્તુ જગતની સઘળી, રૂપ જુદાં વાદળા,

ભૂલમાં સાચી માની, નહિ ફસાતા રે

                મૂકી અસ્તિત્વ અનાદિ સ્થાનને હો  …. જી …. ૪

અસ્તિત્વનો જન્મ નથી, અસ્તિત્વનું મરણ નથી,

ગતિની કોઈ ક્રિયા, લાગુ નથી થાતી રે

                ઈન્દ્રિયોથી એને મપાય નહિ હો  …. જી …. પ

વાદળથી મૂંઝાતા બધા વાદળને પકડે,

આકાશનો ખ્યાલ, ચૂકી જાતાં રે

                શાશ્વત આકાશ સદાય રહે હો  …. જી …. ૬

ગર્વ તૃષ્ણાથી બધાં, વાદળ ભરેલાં,

જગની ચીજો ભરતાં, કદી નથી ધરાતાં રે

                ખાલી વાદળ, ખાલી રાખતા હો  …. જી …. ૭

તૃપ્તિ કરે નહિ ને અંધારામાં રાખે,

વ્યક્તિત્વનું વાદળ, અસ્તિત્વને ઢાંકે રે

                વ્યક્તિત્વ હળાહળ ઝેર છે હો  …. જી …. ૮

ગર્વ વધે અને અજ્ઞાનને પોષણ,

એને જ્ઞાન સમજી, ફૂલી ન જવાય રે

                ભૂલ ભયંકર મૂકતાં, શાંતિ છે હો  …. જી …. ૯

પૂર્ણતાથી જુદા રાખે, નામરૂપ વાદળાં,

એવા વાદળાંમાં ઘણાં અટવાણાં રે

                અસ્તિત્વ ખોળવા નીકળ્યા હો  …. જી …. ૧૦

સ્વરૂપ છે તમારું, અસ્તિત્વ એક સાચું,

ખોવાણું સમજી, ગોતવા નીકળ્યાં રે

                દૂર દૂર ભટકે, ભૂલા પડી હો  …. જી …. ૧૧

શાસ્ત્ર​માં પંડિતો ગોતવાને નીકળ્યા,

ઉથલાવી પાનાં, બુદ્ધિશાળી થાક્યા રે

                ગૂંચવણ ભરેલા એ વાદળાં હો  …. જી …. ૧ર

વાદળાંને પકડવા, ડહાપણ એ નકામા,

સિદ્ધાંત ઊડતા સૌ, અદ્ધર લટકાણા રે

                આઘાં જાતાં દોડતાં, વેગથી હો  …. જી …. ૧૩

સત્યનું પોષણ એવુ, આત્મભાવ જગાવે એવું,

અસ્તિત્વમાં સ્થિર, સદાય રહેવાય રે

                સાર સત્યનો સમાણો, અસ્તિત્વમાં હો  …. જી …. ૧૪

ઉપયોગ ખોટો સમજી, કર્મોથી બંધાણા,

કર્મોના ભેદ નહિ પરખાણાં રે

                ભૂલ થતાં શોક-મોહ, નહિ હઠે હો  …. જી …. ૧પ

ચાહના વધારી સાથે, દુઃખ ઘણું વધતું,

ઉપાધિ વિશેષ ચાહના વધારે રે

                ચાહના બધી એ તોડવી હો  …. જી …. ૧૬

શબ્દોની જાળ ગુંથી હાથે ફસાવું,

વિચારોનો બોજા નાખો કાઢી રે

                નિર્દોષ બનીને જીવવું હો  …. જી …. ૧૭


વ્યક્તિત્વનું વાદળ અસ્તિત્વ ઢાંકે તેને છોડવું જોઈએ, તેના કરતાં સમજી અસ્તિત્વમાં રહેવાય તો એની મેળે છૂટી જાય.

॥ ૐ ॥

વાદળાં ચડી આકાશે બનીને આવે રે

પાન નં:-191, વાદળાં ચડી આકાશે ,બનીને આવે રે…

Leave a comment

Your email address will not be published.