॥ ૐ ॥
(રાગ : જૈજૈવંતી કલ્યાણ ગરબી)
વિભુનો પ્રેમ સદાય વધારો
દૂર કુસંપ હઠાવો રે,
પ્રેમી નિર્મળ શક્તિ ભરતો
દિવ્ય જીવન બનાવો રે …. ૧
ઊજળું હૃદય બનાવો પ્રેમે
મોહ-શોકને ત્યાગો રે,
દુર્ગુણ- દોષને છોડી દઈને
સરલ ભાવથી જાગો રે …. ર
આળસ શત્રુને સદા હઠાવી
પ્રેમ સજીવન કરતો રે,
દિવ્યતા આપે અમર બનાવે
પ્રેમ સુગંધ ભરતો રે …. ૩
શક્તિ મોટી પ્રેમની અંદર
પવિત્ર સૌને બનાવે રે,
પ્રેમની વૃદ્ધિ તરે ને તારે
ભેદભાવ સમૂળા હઠાવે રે ….૪
પ્રેમમાં રાગ કે દ્વેષ ન આવે
સદાય શાંતિ વસતિ રે,
જગના રસનો અભાવ પ્રેમીને
વિકારી વૃત્તિ ન બનતી રે …. પ
અચળ એકતા પ્રેમની જીતમાં
કામ-ક્રોધ કદી ન આવે રે,
ઉમંગ વધારી દુઃખ જ કાપે
શાંતિ વિશ્વમાં લાવે રે …. ૬
સુખની વૃદ્ધિમાં અમૃતસાગર
પ્રેમનો સાગર ઊજળો રે,
પ્રેમથી પ્રેમને ધારણ કરો તો
હૃદય વિશાળે કૃમળો રે …. ૭
અહંતા-મમતા, તૃષ્ણા લોભ
પ્રેમ છોડી દે શાણો રે,
પ્રેમ પ્રભુમાં સમાવે પ્રેમથી
પ્રેમ પ્રભુરૂપ જાણો રે …. ૮
ભ્રહ્મદૃષ્ટિથી પ્રેમ ન ખસતો
વિશુધ્ધ હૃદય પ્રેમ ટકતો રે,
વિજય કર્યા વિણ પ્રેમ ન હઠતો
કાયર બની નથી ફસતો રે …. ૯
પ્રેમી ધનથી કદી ન મપાયે
વ્યાપક પ્રેમની શુદ્ધિ રે,
પ્રેમની સત્તા ત્રણે લોકમાં
સત્ય સાથે પ્રેમ બુદ્ધિ રે …૧૦
સત્ય નહિ તો ઉપાધિ આવે
પ્રેમ તેમાં નથી રમતો રે,
વહેમ ને પ્રેમના રસ્તા જુદા
વહેમ ને પ્રેમ નથી મળતો રે …. ૧૧
નિર્મળ, નિર્ભય, આનંદ પ્રેમનો,
હૃદય પર રાજ્ય ચલાવે રે,
અખંડ પ્રકાશ પ્રેમનો સાચો,
પ્રભુમાં પ્રેમે સમાવે રે …. ૧ર
॥ ૐ ॥
વિભુનો પ્રેમ સદાય વધારો