॥ ૐ ॥
(રાગ : જૈજૈવંતી કલ્યાણ ગરબી)
સઘળું કાર્ય પ્રભુજી કરતા, છતાં અકર્તા રહેતા રે,
પ્રાણ પૂરીને જીવન આપે, આગળ સાધન ધરતાં રે …. ટેક ૧
સૂક્ષ્મ દૃષ્ટિનાં કામ કરે છે, ભૂલ કદી નથી પડતી રે,
યાદી વિચિત્ર રાખે એવી, કોઈથી નથી સમજાતી રે …. ર
અનંત સર્જન-સંહાર કરતાં, સામગ્રી બીજે ન મળતી રે,
ક્યાંથી લાવે, ક્યાં સમાવે, કેડી એની નથી જડતી રે…. ૩
વ્યાપક રહેતા સઘળા સ્થાને, નજરે છતાં ન ચડતા રે,
એને શોધવા પ્રયાસ કરત, મહાન બુદ્ધિથી મથતા રે…. ૪
દેખે સૌને અલગ રહીને, સાચી સફળતા એની રે,
પ્રભુ જ દેખે દૃષ્ટિથી સઘળે, સાચી નિષ્ઠા તેની રે …. પ
પ્રભુ ભૂલીને જીવન જીવવું, મોહ-શોકથી તપતું રે,
તુંહી તુંહી એક જ પ્રભુ છે, દુઃખ તેને નથી નડતું રે …. ૬
પ્રભુ ભજન પ્રેમે કરતા, પ્રભુ પણ તેને ભજતા રે,
હૃદયમાં સાચા પ્રેરક બનીને, તેને કદી નથી તજતા રે …. ૭
વેદ-શાસ્ત્ર ભણીને ભૂલે, અભણ હૃદય વિશુદ્ધિ રે,
ભણતર-ગણતર કાચું ઠરે, પ્રભુ જુએ હૃદયની શુદ્ધિ રે …. ૮
વિજય પ્રભુનો સદાય માને, તેનો ગર્વ ગળતો રે,
વાસના ગર્વનો ત્યાગ કરીને, તે પ્રભુને મળતો રે …. ૯
વિકાર તજીને નિર્દોષ બનવું, પ્રભુ દર્શનથી થાતું રે,
જ્ઞાન સ્વરૂપ પ્રભુ છે પોતે, સાચું તેથી દેખાતું રે …. ૧૦
પૂર્ણને ભૂલીને અપૂર્ણ માટે, અંધારે નથી ફરવું રે,
ફરી ફરીને યુગ વિતાવ્યા, સ્થિર પ્રભુમાં ઠરવું રે …. ૧૧
પ્રભુ વિશ્વાસે વળગી રહેતા, દગો પ્રભુ નથી કરતા રે,
દેહ પ્રભુનો પ્રભુને સોંપી, સૌ પ્રભુમાં ભળતા રે …. ૧ર
॥ ૐ ॥