॥ ૐ ॥
(રાગઃ જૈજૈવંતી કલ્યાણ)
સત્ય એકને જાણવાને, ભૂલમાં યુગો વિતાવ્યા …. રે
ભૂલ સુધારી ભૂલને તજવા, સૂક્ષ્મ દૃષ્ટિ બનાવો …. રે
ભૂલ સુધાર્યા વિના કદાપિ, શ્રેય નથી બની શકતું …. રે
સંયમ શ્રધ્ધા જ્ઞાન-ધ્યાનમાં, ભૂલ જતા શ્રેય બનતું …. રે ….
તપસ્વી-જ્ઞાની-યોગી બનવું, ભૂલ રાખીને બનાતું …. રે
ભૂલ સુધાર્યા વિના બધું એ, ગર્વભરેલું ગણાતું …. રે ….
ભૂલ સુધારી તપસ્વી થાયે, જ્ઞાની-યોગી સારા …. રે
દેહ બનવું એ ભૂલ સુધરતાં, ચૈતન્ય જડથી ન્યારા …. રે ….
ચૈતન્યજ્યોતિ સદાય પ્રકાશે, સ્વરૂપ તે છે તમારું …. રે
સત્તા ચૈતન્યની નાશ ન પામે, નિષ્ઠા અચળ રહે સારું …. રે
દુઃખ વિનાનું કદી ન મળાતું, અખંડાનંદ સ્વરૂપમાં …. રે
સાર દુઃખથી એક જ નીકળે, નિજ આનંદનો સતમાં …. રે ….
પૂર્વ કરેલાં કર્મોનું સ્વાભાવિક ફળ દુઃખ માનો …. રે
શોક-મોહને છોડી દેવા, સમતા દુઃખમાં વિસામો …. રે ….
વિસામો લઈને આગળ જાવું, દુઃખને સહારો સમજી …. રે
દુઃખ સદાયે બોધ કરાવે, સમજાવે પ્રભુની મરજી …. રે ….
પ્રભુની બક્ષિસ દુઃખને માનો, આનંદથી દુઃખ સહેવું …. રે
ભૂલથી દુઃખને સજા ન સમજા, વીર જ દુઃખને કહેવું …. રે ….
વીરતા દુઃખની સમજણ જાણે, ધીરતા રાખી દુઃખ સહેતાં …. રે
દુઃખ સહન કરનારા વીરોની, વેદશાસ્ત્રો વાતો કહેતાં …. રે ….
અપૂર્ણતાને પહેલાં સમજો, ગર્વ ભરેલી ચતુરતા …. રે
એવી ચતુરતા જ્યારે ખટકે,ત્યારે અપૂર્ણતા તજતા …. રે ….
અપૂર્ણતાને આગળ રાખી, પૂર્ણની વાતો કરતા …. રે
જાળ બનાવી અપૂર્ણતાની, અંધારામાં ફરતા …. રે ….
અપૂર્ણતાનું વાદળ મોટું, હાથે ઊભું કરી ડરતા …. રે
ભ્રમણા ત્યાગી સત્ય સમજો, પૂર્ણની સંપૂર્ણ પૂર્ણતા …. રે ….
॥ ૐ ॥
સત્ય એકને જાણવાને, ભૂલમાં યુગો વિતાવ્યા …. રે