સદાય સુતકી ગણાય, જેના હ્રદયથી મેલ ન જાય,
તેવા નર સદાય સુતકી ગણાય …ટેક
ઉપરથી સ્નાન કરીને માનવ, પ્રવીણ બનવા જાય જી,
ભીતર ઇશ્વર ભજન વિના, મનમાં સદાય મૂંઝાય…. તેવા નર
છળકપટ ભરપૂર રાખી, સિધ્ધ બનવા જાયજી,
એવાના પરમાણુ લાગે, તેથી અનેક ઉપાધિ થાય ..તેવા નર
દયા તણી નવ વાત સુઝે, સદા ક્રોધનો રહે વાસજી,
સુખ બીજાનું લાગે ઝેર સમ, તેનો જલદી થાય કેમ નાશ.. તેવા નર
નિંદા કરવા જન્મ લીધો, તેથી સારું કેમ કરાયજી,
પ્રતિજ્ઞા ખરાબ કરવા તણી, તેવી ટૅક ન તોડાય .. તેવા નર
ક્ષમાવ્રુતિથી કોઇ જ્ઞાની, તેના દોષ ભૂલી જાયજી,
એવોને મુરખ ગણીને, હાંસી કરવા ધાય .. તેવા નર
શાંતિથી કંઇ કર્મ કરવું, તેમાં ઉપાધિ જણાયજી,
ખાવાપીવામાં સુખ સમજે, ભજનમાં દુ:ખ ભળાય .. તેવા નર
વિષ્ટાના કીડાને વિષ્ટામાં જેમ, સુખનો થાયે ભાસજી,
વિષય ભોગમાં લોભાણો જઇ, તેમાં દુ:ખ ભર્યુ ચોપાસ..તેવા નર
જેના ઘરનું મરે માણસ, તેને સુતકી ગણી લેયજી
ખાવાપીવામાં દોષ સમજી, તિરસ્કારથી જોય..તેવા નર
માટીનાં વાસણ અભડાઇ જાય, તેને નાખી દેવા તૈયારજી,
સોનું, રૂપુ ને રુપિયા, નવ નાખી દેવા વિચાર .. તેવા નર
શરીર બગડે તો મંત્ર જપથી, શુધ્ધ તેને બનાવાયજી,
ઈશ્વર ભજન વિના, કેમ કલ્યાણ થાય તે બતાવ …તેવા નર
સુતક સાચવી રાખવું ને જગતને બતાવવો જૉગજી,
કામ ચંડાળને અંદર રાખ્યો, તે જ ભયંકર રોગ… તેવા નર
મોહ- મમતાના પૂરમાંથી, નીક્ળી જા તું ભાઇજી,
કહે ભક્તજન પ્રભુ ભજન કર, તો જ સુતક જનાર …તેવા નર
તેવા નર સદાય પવિત્ર ગણાય ( 2 )…………..
સદાય સુતકી ગણાય, જેના હ્રદયથી મેલ ન જાય,