સ્વામિનારાયણ (ર) વિશુદ્ધ પ્રેમથી ગાવો રે

॥ ૐ ॥


સ્વામિનારાયણ સ્વામિનારાયણ, વિશુદ્ધ પ્રેમથી ગાવો રે,

સ્વામિનારાયણ સ્મરણ વધારી, હૃદયમાં સત્ય દીપાવો રે …. ટેક

મોહ ને મમતા દૂર કરી દો, રાગદ્વેષને ત્યાગો રે,

અભય બનાવે શ્રેષ્ઠ રસાયણ, ભક્તિ અખંડ ભરનારું રે ….

આપણી ઈચ્છા ત્યાગ કરીને, પ્રભુ ઈચ્છામાં રાજી રે,

શત્રુ ભાવનો ત્યાગ જ થાતાં, જ્યોત નારાયણ જાગે રે ….

હીરા, માણેક, મોતી, જવાહીર, સોનું, રૂપું સઘળું રે,

એનાથી પણ અમૂલ્ય કીમતી, નામ નારાયણ જપવું રે ….

આશા, તૃષ્ણા, હરખ-શોકનો, ખોટો બોજા હઠાવો રે,

પ્રેમ આનંદ સહજમાં મળશે, સહજ સમાધિ લગાવો રે ….

અહિંસા સત્ય ધારણ કરીને, સમતા ગુણ વધારો રે,

સત્સંગ કરી, શિક્ષાપત્રીની, ફરજા તમે બજાવો રે ….

દેવ આચર્યની કૃપા મળી છે, હૃદયમાં રંગ ચડાવો રે,

લોભ-શોકને દૂર કરો તો, જ્ઞાન ધ્યાનની ભરતી રે ….

આચાર્ય મહાન મળ્યા સદ્‌ગુણી, વિવેકથી ધર્મ સમજાવે રે,

સંયમ રાખી પાલન કરતાં, દોષો સઘળા હઠાવે રે ….

સાધુ-સંતો, હરિભક્તો સહુ, દૂર દૂરથી આવ્યા રે,

ધ્યાન ધરી પ્રભુ મેળવો, અમૃતવાણી લાવ્યા રે ….

બહારની વૃત્તિ ત્યાગ કરીને, અંતરવૃત્તિ ફળતી રે,

નાડી પ્રાણ સ્થિર​ કરીને, અંતે પ્રભુમાં ભળતી રે ….

પ્રભુ મેળવવા ધગશ રાત દિન, સત્સંગ અમૂલ્ય જાણો રે,

જપ-તપ તીર્થ તો જ સફળ છે, નિશ્ચય અચળ જમાવો રે ….

પ્રભુ આજ્ઞાનું પાલન થાતાં, દિવ્ય દૃષ્ટિ મળશે રે,

 પ્રભુનો સાચો પાસ જ મળતાં, અક્ષરધામમાં ઠરશે રે ….


॥ ૐ ॥