॥ ૐ ॥
(જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યરૂપી વરસાદ અમારા હૃદયમાં વરસાવો એવી ભાવનાથી પ્રાર્થના કરવી.)
પ્રભુ જલ્દી વરસાવો વરસાદ પાડનાર અવિનાશી
તમારી દયાથી થાય બધાં કામ રે …પાડનાર ટેક
વરસાદ વિના માનવ, પશુ, પંખી દુઃખી ખૂબ જણાય
અન્ન વિના ભૂખ્યા મરે તે નવ હવે જોવાય રે અખંડ અવિનાશી
દુઃખ ભોગીએ અમે ઘણાં, નવ કંઈ આપનો દોષ
કર્મ અમે ખોટાં કર્યા તેમાં આપનો નથી દોષ રે …પાડનાર
રાજા-પ્રજા સઘળા દુઃખી, ચિંતા હૃદય અપાર
પ્રભુ આવી અમૃત સીંચો, અમે બની ગયા છીએ લાચાર રે …પાડનાર
જીગત તમે ઉત્પન્ન કર્યું, પાલન પણ કરનાર
આજ સુધી પોષણ કર્યું, હવે દુઃખી ન કરશો કિરતાર …પાડનાર
પ્રભુ તમે અમને મોકલ્યા કરવાને શું કામ
તમારું મૂકી દીધું એવું કર્યું અમે અવળું તમામ …પાડનાર
શ્રધ્ધાથી ભક્તિ નવ કરી, બન્યા માયાના ગુલામ
સુખને બદલે દુઃખ લીધું એવા અમે છીએ નિમકહરામ રે …પાડનાર
રગેરગમાં પાપ જ ભર્યું, ગણતાં ન આવે પાર
માફ કરો પ્રભુ આપ તો, થાયે અમારો ઉધ્ધાર રે …પાડનાર
અનંત યુગોથી ભૂલો કરી, હવે વધી રહ્યો છે ત્રાસ
આ પળે આવો હે પ્રભુ તમે કરો અજ્ઞાન અમારૂ નાશ રે …પાડનાર
અરજી છે સહુ દાસની સુણજા દીનદીયાળ
વહેલા આવો હે પ્રભુ તમે લેવા સહુની સંભાળ …પાડનાર
ધના ભગતના ખેતરે વેળુના કર્યા ઘઉં
તેવું પ્રત્યક્ષ બતાવી દો એમ વદે છે લોકો સહુ …પાડનાર
સાચો આપનો આશરો તેમાં છે સહુ સુખ
શરણ છે લાજ રાખો તમો, ચિંતાવાળા ઊભા સન્મુખ રે …પાડનાર
સૌ ભક્તો પ્રભુને કહે હવે જલદી આવો આપ
મનની ભ્રમણા સહુ મટે અને બળી જાય અમારાં પાપ રે …પાડનાર
સદ્ગુરુ સિધ્ધયાત્રી અને જ્ઞાની જે કહેવાય
વંદન કર જોડી કરું, તમે કરજો અમારી સહાય રે …પાડનાર
॥ ૐ ॥
જય સદગુરુ 🙏🌹🌺🕉