॥ ૐ ॥
હૃદયમંદિરમાં વાસ પ્રભુનો, નિશ્ચય સત્ય પ્રમાણ … રે
વિશુદ્ધ રાખવું સદાય તેને, કૂડકપટને ન સ્થાન …. રે …. ૧
વિવેક વિચારની દૃષ્ટિ રાખી, પ્રેમ વધે પ્રેમ પ્રકાશ રે,
અખંડ આનંદ પ્રભુની શાંતિ, અભય સંયમ જ્ઞાન રે …. ર
શ્રધ્ધા અચળ પૂર્ણ પ્રભુમાં, વિકારનો નહિ વાસ રે,
નિર્મળ દૃષ્ટિ અમૃત ભરેલી, એમાં જ સત્ય વિકાસ રે …. ૩
પ્રાણમાં પ્રભુજી પ્રકાશ આપે, સાર્થક પ્રાણ ગણાય રે,
એક ઘડી પ્રભુ દૂર ન ગોઠે, પ્રાણની પ્રીતિ સદાય રે …. ૪
સહાય પ્રભુની રક્ષણ કરતા, શ્વાસ દોડે નહિ ક્યાંય રે,
અવિનાશીના અમરપણામાં, વિનાશી ભાવ ભુલાય રે …. પ
દેહ વિનાશી નાશ થવાનો, મમતા દેહની મૂકાય રે,
રાગદ્વેષનો વિસ્તર ઘટતાં, અવિનાશી ભાવમાં લક્ષ રે …. ૬
શત્રુતાનો ખ્યાલ ન આવે, હૃદયે પ્રભુનો નિવાસ રે,
ગર્વ છોડી પ્રભુને ભજવા, ધ્યાન જ્યોતિ સ્વરૂપ રે …. ૭
પતિતપાવન પાવન કરશે, અડોલ વૃત્તિ સંધાન રે,
ઉપાધિ તજીને નિર્મળ બનવું, દિવ્યતા પ્રભની ખાસ રે …. ૮
પૂર્ણ પ્રભુનો સંદેશો આવે, અગમ અગોચર પાસ રે,
હૃદયનો શૃંંગાર પ્રભુજી માનો, આશા ફાંંસીનો વિનાશ રે …. ૯
જીવન –મરણની આંંટી ઊકલે, સરળ સુંગધી સુવાસ રે,
યુગ સુધારો જલદી કરશે, રૂપાંતર શક્તિ અમાપ રે …. ૧૦
॥ ૐ ॥