॥ ૐ ॥
(રાસ)
હૃદયે રમે છે, પ્રેરણા કરે છે,
શ્રીકૃષ્ણ પ્રભુ સૌના હૃદયે રમે છે,
વૃત્તિનો દોર એના હાથમાં રહે છે,
પછી ચિંતા નકામી શાને કરે છે ? …. ટેક
શ્વાસનું સંધાન મારા પ્રભુના પ્રેમમાં,
જીવન રંગે છે એના ઉમંગમાં,
કેવળ કૃપાળું નિશ્ચય, રક્ષણમાં,
રહેવું સદાય એના જ શરણોમાં ….૧
વાતો પ્રભુ વિના કરવી નકામી,
જાણે છે આગમ અંતરયામી,
અંતરયામી અનાદિ બહુનામી,
એના કામમાં હોય નહિ ખામી …. ર
વહાલપ વધારે વહાલનો ભંડાર છે,
એની વ્હાલપમાં મધુરતા અતુલ છે,
અમૃત પરમ, સત્ય જ્ઞાનથી ભરેલી છે,
ગર્વ ત્યાગીને ભજે, એનો વિજય છે ….૩
નીરવ શાંતિમાં એના સંદેશા આપતા,
ધ્યાન રાખીને બધાને સુધારતા,
વાસના બાળીને પ્રાણશુદ્ધિ કરતા,
પ્રભુ છે અમારાં સંકટ હરતા …. ૪
શ્રીકૃષ્ણ પ્રભુ મારા વહાલપ ભરેલા,
એની સ્થિરતામાં નિર્મળ રહેલા,
મારી દૃષ્ટિમાં મારા પ્રભુ વસેલા,
મારી વાણીમાં એનાં જ્ઞાન ભરેલાં …. પ
કચરો ભરીને બુદ્ધિ નથી બગાડવી,
વિચિત્ર ચાલાકી મારે નથી રાખવી,
એને ગમે એવી ચાલ જ ચાલવી,
એના પ્રેમની સદા ભરતી લાવવી …. ૬
શ્રધ્ધા રાખીને મારે ગળવું પ્રભુમાં,
અખંડ સ્મૃતિ સદા, એના જ જ્ઞાનમાં,
ઊજળું ભાવિ બને એના ઘાટમાં,
સાર્થક સાચું એના જ વિજ્ઞાનમાં …. ૭
॥ ૐ ॥