॥ ૐ ॥
(ભજન) ૩
હૃદય મીરાંના, ગિરધર ગોપાળ, નિશ્ચય પ્રેમથી સંધાન …. રે
વિશુધ્ધ રહેતાં, મીરાં સદાયે, અખંડ એક જ ધ્યાન …. રે …. ૧
વ્યાકુળ પ્રાણની, પ્રિયતા રાખીને, રટતા રાતદી શ્વોશ્વાસ …. રે
વિરહ અગ્નિમાં, આહુતિ પ્રાણની, સદા દેવા તૈયાર …. રે…. ર
ગિરધર ગોપાળમાં, અચળ શ્રધ્ધા, નિર્વિકારી નિર્દોષ પ્રયાસ …. રે
રાજપાટ છોડીને ગિરધર ભજવા, કુળ લજ્જા કરીને ત્યાગ …. રે…. ૩
પ્રાણમાં ગિરધર ગોપાળ પૂરીને, સાર્થક બનાવ્યા પ્રાણ …. રે
નિર્ભય મીરાંની આંખથી વહેતાં, આંસુડાં, અખંડ ધારા …. રે…. ૪
ગિરધર ગોપાળ વિનાની વેદના મીરાંનું હૃદય વીંધાય …. રે
મીરાંનો અવાજ સાંભળી આવતા, જલદી ગિરધર ગોપાળ …. રે…. પ
મીરાંના હૃદયના ઊંડા ઘાવને, ગિરધર ગોપાળ રૂઝાવે …. રે
આવી આવીને રક્ષણ કરતા, નિભાવે મીરાંનો સાથ …. રે…. ૬
ક્ષણ એક ગિરધર ગોપાળ વિનાનું, મીરાંને પડે નહિ ચેન …. રે
વિરહ અગ્નિ ભડકે બળતો, ગિરધર ગોપાળથી શાંત …. રે…. ૭
પ્રાણનું બળ છે ગિરધર ગોપાળ, મીરાંને પ્રાણ જ આપતા …. રે
ગિરધર ગોપાળ દોડીને આવતા, મીરાંની સાથે કરે વાત …. રે…. ૮
॥ ૐ ॥
મીરાંને ત્યાં સાધુ આવે છે. તેની પૂજામાં ગિરધરલાલની મૂર્તિ હતી. મીરાંને તે મૂર્તિ જાતાં એમ થયું કે આ જ મારા જન્મોજન્મનો સાથી છે. તેને મળવા માટે મીરાંનું હૃદય તલસી રહ્યું છે. મીરાંએ ખાવાપીવાનું બંધ કરી દીધું, તેને મૂર્તિ વિના ચેન પડતું નથી. સાધુએ સ્વપ્નમાં જોયું. મૂર્તિ બાળ મીરાંની પાસે પહોંચી ગઈ છે. સવારે સાધુ આવીને મીરાંને ગિરધરલાલની મૂર્તિ આપે છે. મીરાંને ગિરધરલાલની મૂર્તિ મળતાં પ્રસન્નતાનો પાર નથી રહેતો. તેવી જ બીજી ઘટના વિચિત્ર બને છે. મીરાંના ગામમાં એક જાન આવે છે. નાની નાની છોકરીઓને પોતાના ભાવિ પતિ જાણવાની સરળતા પૂર્ણ ઉત્કંઠા રહે છે. મીરાંએ સરળતાથી માતાને પૂછયું : મા મારો વિવાહ કોની સાથે થશે ? નાની છોકરીના પ્રશ્ર પર હસતાં તેમની મા એ કહ્યું : ગિરધારીલાલ સાથે. એમ કહીને સામે મૂર્તિ તરફ સંકેત કર્યો.
મીરાંના મનમાં એ વાત બેસી ગઈ. ગિરધારીલાલ વાસ્તવમાં તેમના પતિ છે. અઢાર વર્ષની ઉંમરે મીરાંનો વિવાહ મેવાડના ઈતિહાસ પ્રસિદ્ધ જેનું નામ ધન્ય છે. રાણા સાંગાના મોટા કુંવર -ભોજરાજજી સાથે થયેલ. મીરાં સાસરામાં પણ પોતાન ઈષ્ટદેવની મૂર્તિ સાથે લઈ ગયેલ. મીરાંનું દાંપત્યજીવન ઘણું જ આનંદપૂર્ણ હતું. એવી સતી સાધ્વી નારી પોતાના પતિની સેવા ન કરે તો કોણ કરશે ? મીરાં ઘણાં આદર અને વિનય સાથે પતિની સેવામાં રહેતા. નિયમપૂર્વક પ્રભુની ઉપાસના કર્યા કરતાં. પ્રભુ જેને અપનાવે છે, તેના બંધનો અને સંબંધો છિન્ન ભિન્ન કરી નાખે છે. જયાં સુધી જીવ સંસારમાં કોઈનો આધાર અને આશરો રાખે છે ત્યાં સુધી પ્રભુના આશ્રયથી વંચિત રહે છે. અમે સર્વથા પ્રભુના થઈ જઈએ તેને માટે આવશ્યકતા છે કે સંસારમાં જુદા જુદા સંબંધોથી અનુરાગ છે તે સમેટાઈને પ્રભુમાં કેન્દ્રીત થઈ જાય. જે પ્રેમ પ્રભુના ચરણમાં નિર્માણ થઈ ચૂક્યો છે, તેમાં સંસારી ભાગીદાર કામ નહિ આવી શકે. પતિનું સંસારથી વિદાય થવું. પછી મીરાંની એક જ ધારા ગિરધારીલાલમાં લાગી અને સેવામાં તત્પર રહેવાં લાગ્યાં. લોકલાજ અને કુળની મર્યાદાને અલગ કરીને મીરાં હરિસેવામાં તત્પર રહેતાંં. દિવસ અને રાત પ્રભુ પ્રેમની અખંડ ધારામાં લોકલાજ ટકી જ ન શકે. મીરાંને ખબર નથી કે શું થઈ રહ્યું છે. તેને ત્યાં સાધુઓની વધારે ભીડ લાગી રહેતી. ભગવાનની ચર્ચા સિવાય તેને કરવાનું કાંઈ બાકી નથી. શ્રીગિરધર ગોપાળની મૂર્તિ સામે મીરાં નાચ કરતાં અને સંતોની મંડળી આવ્યા કરતી અને નિવાસ કરતી. ઘરવાળાને એ વાત પસંદ નથી. રાણા સાંગાનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. તે વખતે મીરાંના દેર વિક્રમાજિત ગાદી પર હતા. તેને મીરાંની રહેણીકરણી પસંદ ન પડવાથી મીરાંને મારી નાખવાની ગુપ્ત યોજના ગોઠવી. જેની રક્ષા સ્વયં પરમાત્મા કરે છે તેને કોણ મારી શકે ? ઝેરનો પ્યાલો મોકલે છે. મીરાં તેને હરિ ચરણામૃત સમજીને પી જાય છે. ઝેર પણ મીરાંને અમૃત થઈ જાય છે. જેને અનુકૂળ પ્રભુ હોય તેને સંંસરની બધી પ્રતિકૂળતા અનુકૂળ થઈ જાય છે. પેટીમાં સાપ મોકલવામાં આવે છે. મીરાં એને ખોલી જુએ છે. શાલિગ્રામજીની મૂર્તિ છે. છાતી સાથે લગાડીને પ્રેમથી આંસુથી નવરાવે છે. સર્વસ્વ સમર્પણ કરનાર મીરાંના ગિરધર ગોપાળ મીરાંની દૃષ્ટિ સમક્ષ પ્રત્યક્ષ રહે છે. વિરહ અગ્નિમાં બળનાર મીરાં પ્રેમના અતિશય ઉમકાળથી શું બોલે છે. – બધાએ હૃદયના ઉમળકાથી પ્રેમની વૃદ્ધિ સાથે બોલવું.
॥ ૐ ॥