॥ ૐ ॥
હે કરુણાનિધિ ઉદાર, તારી કરુણાથી જ ઉધ્ધાર,
સમજે છતાં ભૂલના વિચાર, પૂર્ણતા ભરવા તું તૈયાર ….
તને સમજવા મહેનત કીધી, ઊલટી સમજ ભરી લીધી
ઊંધી સમજની ઉપાધિ, ઉમંગી ભાવ હૃદયની સિધ્ધિ …
કંઈ કામ ન તર્કો આવે, દૃઢતા વિશ્વાસ ડગાવે,
પ્રભુપ્રેમનો માર્ગ ભુલાવે, એવું ડહાપણ કામ ન આવે ….
સઘળે પ્રભુ સદાનિવાસી, કહેવા છતાં કેમ ઉદાસી,
માન્યા વિના વાત નકામી, આડી છે મોટી ખામી ….
પ્રભુનું પ્રભુને નહિ દેવું, ગુમાન વધારીને રહેવું,
ખોટી આશાએ બળવું, પ્રભુ છોડીને દુઃખ સહેવું…
જૂઠી આશા લાવે નિરાશા, સત પ્રભુ છે પુર્ણ પ્રકાશા,
જ્ઞાન ભરતી શક્તિદાતા, સૌ કળામાં કુશળ ગણાતા ….
પ્રભુને સોંપી બનીશ રાજી, પ્રભુસ્મરણની સ્મૃતિ તાજી,
શ્વાસની સફળતા ઝાઝી, પ્રાણ પ્રભુને સદા કરે રાજી ….
બદ્ધિની ચાતુરી છોડી, વૃત્તિ પ્રભુમાં રાખવી જાડી,
ઊંચી પ્રીત પ્રભુની યાદ આવે, સાચો પ્રેમ અંતરમાં લાવે ….
પ્રેરણા દઈ માર્ગ બતાવે, સતપંથે જ સીધા ચલવો,
પંથનો ભોમિયો પ્રભુ પૂરો, એના જેવો નથી કોઈ શૂરો ….
હિંમત આપી અવશ્ય તારે, અખંડ આનંદ મસ્તી વધારે,
અગવડ-સગવડ છે એની, નિભાવો બક્ષિસ છે તેની ….
ઊજળા પ્રભુ ઉદાર હૃદયના, નિર્મળ પ્રભુ નિર્મળ રચના,
સાર્થક જીવનનું મંથન, એની દિવ્ય દૃષ્ટિનું અંજન ….
દૃષ્ટિનો પ્રભુ દોષ હઠાવે, સાચી સાન આપી સમજાવે,
પ્રભુ એની સમજ ઠસાવે, કોઈ નહિ જ કદાપિ ફસાવે….
વાસના બાળી શુધ્ધ બનાવે, સાથે રહી સ્નેહ નિભાવે,
શાંતિ આપી સ્થિર બનાવે, અવિનાશી અમરતા દિપાવે ….
॥ ૐ ॥