॥ ૐ ॥
હે પ્રભુ! તારા પ્રેમમાં રાખ, જુદો ગણી નહિ કાઢી નાખ,
તારા કામે આવે ન ખોટ, લાગે તારી દિવ્ય જ ચોટ …. હે પ્રભુ…. ૧
ખેંચે લોહને ચુંબક જેમ, તારા બળથી કરજે એમ,
તારી મસ્તી ભરતી ક્ષેમ, રાખી સદાયે, કરી દે તેમ …. હે પ્રભુ…. ર
તારી શક્તિ ભરી દે અંગ, લાગે સાચો તમારો રંગ,
તારા નિયમે સાચો સંગ, એમાં કદી ન પડતો ભંગ …. હે પ્રભુ…. ૩
સત સમજ મનનો તાલ, રહે એક જ તારો ખ્યાલ,
શાંતિ આનંદ વધતી ચાલ, બોલો નિર્દોષ લાવીને વહાલ …. હે પ્રભુ…. ૪
પ્રજ્ઞાશક્તિ ને અંતરજ્ઞાન, રહે સદાયે તમારી શાન,
દૃષ્ટી અમૃત નિર્મળ ભાન, ઊજળા પ્રકાશે જીવન તાન …. હે પ્રભુ…. પ
આવો પ્રભુજી જલદી આવો, મારા હૃદયે તમારા ભાવો,
જુદાપણાનો લાવજો અંત, સત પ્રભુજી રાખીને ખંત …. હે પ્રભુ…. ૬
॥ ૐ ॥
🙏 જય સદગુરૂ 💐🌼🌸🕉🙏