॥ ૐ ॥
(રાસ)
પ્રભુની જ કૃપાથી નાદ ગુંજતો
માર્ગ સાચો, એ છે પ્રેરણા ભરતો
ખંત રાખી પ્રભુજી, સૌને જગાડે તો
સાદ એનો સાંભળે રે …. લોલ ….
અંતરમાં પ્રભના, પ્રસાદે શાંતિ
નહિ રહે તેને, મમતાની ભ્રાંતિ
અજ્ઞાન સમૂળું નાશ જ થાશે
તો જ્ઞાનની ભરતી રહે રે …. લોલ ….
મોહ-શોક બ્રહ્મના, નાદથી ભાગતા
દિવ્ય પ્રભુમાં રહે એક જ પ્રિયતા
અખંડ આનંદ, ભયને જ છોડે
સાચી તો, સ્થિરતા મળે રે ….લોલ ….
શક્તિ ને ભક્તિમાં દૃઢતા પ્રભુની
તૃપ્તિ જ સાચી, પ્રભુના ભાવની
પ્રભુજી પ્રેમાનંદ વર્ષાવે
તો ખોટ કદી આવે નહિ રે …. લોલ ….
મધુર રસ ભરીને, મધુર બનાવે
વાણી નેત્રને નિર્મળ રખાવે
પ્રાણમાં એનું જ બળ ભરી દેતો
વાસના બળી જાશે રે …. લોલ ….
અચળ પ્રકાશ એનો અચળ સમતા
હૃદયમાં પ્રગટ પ્રભુ, પોતે જ બોલતા
પ્રભુ રક્ષણ તેજને વધારે
તો સત્ય દૃઢતા રહે રે …. લોલ ….
અવિનાશી કૃપાથી વિષાદ છૂટતાં
અવાજ ધ્યાન રાખે, નથી જ ભૂલતા
સાક્ષી ભાવે ભાવીને જાણનારો
જાડીનો બીજા મળે નહિ રે …. લોલ ….
સંયમ પાકો નિષ્ઠા રહે પાકી
પાકી શ્રદ્ધા ને બુદ્ધિ સ્થિર પાકી
સત્યવૃત્તિને એ જ પોષનારો
સત્ય રૂપે પ્રગટ રહે રે …. લોલ ….
॥ ૐ ॥