ભજન કર, ભજન કર, પ્રભુનું ભજન કર
અહિંસાને સત્યનો માર્ગ ગ્રહણ કર.
તજી દે ખોટી માયા, કુતર્ક તજીને દે,
ફટકેલા મનને સ્થિર થવા દે.
સાચો માર્ગ ઈશ્વરનો તું ભૂલી
ગયો ફસાઇ નકામો માયામાં ડૂબી,
છોડી હંસવાણી, કાગવાણી લીધી,
નિંદા કરવામાં બુધ્ધિ મેલી કીધી.
દેખી દોષ પરનો તેં બોજો ઉપાડયો,
દીધું દુ:ખ બીજાને, એમાં શું કમાયો?
કમાણીનો ભર્યો તેં ખોટો ખજાનો,
ન આપ્યું ગરીબને, તું રેઢો જવાનો.
હજી છે સમય, અન્ન આપો ગરીબને,
બને તેંટલું કરશો, ગમશે પ્રભુને,
શ્રીમંત બની, મનમાં નવ ફુલાશો,
કર્યા કાળાં-ધોળાં પણ અંતે લૂંટાશો.
કૂડકપટ છોડી નામ લેજો પ્રભુનું,
છળ ત્યાં નહિ ચાલે જાણે છે સહુનું,
છોડી દે પાપની- વાસના જુઠી
કાળ ઝડપી જશે, નવ રે”શે મૂઠી.
દુ:ખીના દિલની તું અગ્નિ બુઝાવે,
આપી શાંતિ તેને તું સુખી બનાવે,
તારા ભાવ દૈવી ગુણ વધારે,
તારું નાવ જશે, જલદી કિનારે.
શત્રુતા છોડી મિત્ર-ભાવ લાવજે,
એવું જ્ઞાન લઇ પ્રભુને રીઝવજે,
સાધુ-ભક્ત વાત બતાવે ગુરુતણી,
મુરખને બુધ્ધિ આપે, એવા છે ધણી.
ભજન કર, ભજન કર, પ્રભુનું ભજન કર