દરેક દીન બની ગયા દર્દથી

॥ ૐ ॥


દરેક દીન બની ગયા દર્દથી, લક્ષ તમે આપજા,

રહેવા ઉત્તમ સુખથી, દર્દીને ઔષધ દઈ રાખજા  ….૧

દીવા જ્યાં બળતા રહે તન મહી, ચિંતા તણા સર્વદા,

ઓરા આવો શ્રીમંત આજે, ટાળો દુઃખો આપદા   ….ર

નેણાં માંહી જે આવતા, દુઃખ તણાં આંસુ તમે લૂછજા,

આપી હિંમત તેહના મન વિશે, ધીરજ ધરી પૂછજા  ….૩

રોગી રોગરહિત બને, દુઃખ તજી, તેવી દવા કામની ,

ગઈ પળ ન પાછી આવશે, સમજીને સગવડ કરો દામની ….૪

ભૂલ્યા તેમ કહી અને દૂર રહી, તક ચૂકશો નવ કહી,

વસવા સાધન આપજા ગૃહ તણાં, તે વાત ભૂલશો નહિ  ….પ

નબળા જાણી તમે સહુ દર્દીને, આશ્રય ખરો આપજા,

જાતે કાર્ય કરો, તમે સદ્‌ગુણી, કષ્ટો સહુ કાપજા  ….૬

ઈચ્છા હોય છે એકસરખી સહુને, આરોગ્ય મળવા તણી,

એવી અંતર ભાવના નિરખવા, તૈયાર રહેજા ધણી ….૭

છેલ્લી વાત વિવેકની સહુ સૂણી, દુઃખ ટાળવા આવજા,

ભક્ત કહે, દૈવી સંપતિ વિશે, લક્ષ્મી ઘણી લાવજા ….૮


॥ ૐ ॥