પ્રેમ જાગે, પ્રેમ જાગે

॥ ૐ ॥


પ્રેમ જાગે, પ્રેમ જાગે, પ્રેમ જાગે રે

વીર  પ્રભુની વાણીનો, હૃદયમાં પ્રેમ જાગે રે (૧) ટેક

વિશુદ્ધ હૃદય પ્રેરણા પ્રભુની, ઊજળું ભાવિ બનાવે,

સાચી સમજ સમતા-ધારણ, રાગ ને દ્વેષ મુકાવે ,

નિરીક્ષણ  ધ્યાનીનું, સાચું શાસન કરતા …. રે (ર) વીર પ્રભુની

શ્રદ્ધા સાથે સંયમ પાળી કર્મોનો ક્ષય કરતા,

પ્રાણને મનની સ્થિર​તા સાથે સિધ્ધ જ બનતા,

મન – વચન – કાયા ગુપ્તી ભેદ જાણો …. રે (૩) વીર પ્રભુની

નાભિથી ઊઠેલી વાણી, પ્રભુની સંગી બનતી,

શુદ્ધ નાભિની સિદ્ધિ એવી આગમનની સૂઝ પડતી,

ચૈતન્ય ભાવમાં રહેવું સાચું આત્માસિદ્ધિ …. રે (૪) વીર પ્રભુની

દેહની જડતા નાશ જ પામે, આત્મસત્તા સતની,

પ્રેમ આનંદ પ્રકાશ વધારે જ્યોતિ વીર પ્રભુની,

વીરની વાણી વીર બનાવે કેવળ જ્ઞાની …. રે (પ) વીર પ્રભુની

નીરવ શાંતિનું મૂલ્ય ન થાયે, કરોડો ખર્ચ ન મળતી,

મૌનમાં આત્માની ભાષા આત્મ વિધાન કરતી,

આત્માનું આકર્ષણ, વ્યાપક શાંતિ વધતી …. રે (૬) વીર પ્રભુની


॥ ૐ ॥