જેણે માયાનાં બંધન નાખ્યાં તોડી
તેને વિનંતિ કરો તમે હાથ જોડી;
જેના મુખથી અમ્રૃતવાણી ઝરે,
તેના ગુણ સત્ય તણું ભાન કરે.
એવા માનવ દેવ સમાન બન્યા,
તેના ચરણોમાં તીર્થના વાસ રહ્યા;
સુખદુ:ખમાં જેની સરખી જ વ્રુતિ,
કરે પાવન એવી છે નિર્મળ મતિ.
અખંડ જ્ઞાનપ્રકાશનો દીવો બળે,
તેનિ વિચિત્ર ગતિને કોણ કળે;
રહ્યા સાગર જેવા ગંભીર ઘણા,
સદાની મટાડે, મનની ભ્રમણા.
કામ ક્રોધનાં બંધન તોડી નાખ્યાં,
ગુરુ વાણીનાં અદભુત ફળ ચાખ્યાં;
જેણે આત્માને દેહથી જુદો કીધો,
તેણે ઘણાંને તારવા જન્મ લીધો.
ઇશ્વરભાવ હ્રદયમાં ઘણા નીક્ળ્યા,
દેહભાન ભૂલીને પ્રભુમાં ભળ્યા,
નિર્દોષ ને વેરનો ત્યાગ કર્યો,
તેની પાસે શાંતિનો ભંડાર ભર્યો.
અભિમાન ઉઠે નહિ જ અંતર વિશે,
તેનો સઘળી દિશામાં પ્રકાશ દિશે;
હિંસક પશુતા હિંસાનો ત્યાગ કરી,
બેસે તેની નજીકમાં ધ્યાન ધરી.
જેની કાંતિ શરીરની કેવી હતી ?
કસ્તુરી સુખડની સુગંધ જતી;
કપૂરની વાસ ઉડે જો તનથી,
બને પાવન લોક તેની રજથી.
જેણે ઇન્દ્રના પદને તુચ્છ ગણ્યું
તેનું ઇષ્ટ ભજનમાં મનડું ગળ્યું;
અદભૂત કૌશલ્યની પ્રાપ્તિ કરી,
તેને નીરખીને મારી દ્ષ્ટિ ઠરિ.
યોગ પ્રાપ્ત કરવામાં દુ:ખ વેઠ્યું,
અંતે અનંત સુખનું મુળ શોધ્યું;
અનેક સિધ્ધિઓ આવીને વાસ કરે,
તેની પરવા તજીને પ્રભુનું ધ્યાન ધરે.
ત્રણ કાળના ગ્યાનનું ભાન કરે,
તેવા સંત દર્શનથી દુ:ખ હરે;
બુધ્ધિ સહુ ભક્તોની ન પાર પામે,
જઇ સંતચરણે સઘળા દુ:ખ વામે.