|| ૐ||
(સુદામાજી દ્વારકામાં આવ્યા રે – એ રાગ)
પ્રભુમાં પ્રેમ વધતો જાય રે, સદ્ગુરુજીના સંગમાં …. રે જી
સાધુ ભક્ત જાઈ હૃદયે ઉત્તમ ભાવ ઊજળે
પ્રભુ તેને નિહાળીને જાતાં રે, ઉધ્ધાર એનો તો થશે …. રે જી
બાળ, વૃધ્ધ, યુવાનો સૌ, ભક્તિથી રંગાયે
રોજ રોજ એની ચડતી થાય રે, આર્શીવાદ સંતના …. રે જી
સમષ્ટિનો ખ્યાલ કીધો સૌના સુખે સાથ દિધો
એકતાને સાચી દૃઢ કરવા રે, મહેનત કરજા ખંતથી …. રે જી
જન્મ ધર્યો સાર્થક કરવા, મોહ, રાગ, દ્વેષ તજવા
જુગોના અંધારા છોડી દેવા રે, સાચી ભક્તિ કરવી પ્રેમથી …. રે જી
પ્રભુનું સૌ જ્ઞાન માગે, પ્રભુનું સૌ ધ્યાન માગે
તજી દઈ ગર્વની ચતુરાઈ રે, નમ્રતા રાખી ઉરથી …. રે જી
પ્રકાશ પ્રભુ સાચો દેજો, જીવન ત્રુટિ હરતા રહેજો
ભક્તિ એમાં ઠાંસી ઠાંસીને ભરજો રે, દુર્ગુણ રહે ન એક ઘડી …. રે જી
શ્રધ્ધા સાચી, જ્ઞાનની થાયે, અજ્ઞાન સમૂળું જાયે
વધે અન્ન ધન, પડે નવ ખોટ રે, કર્મો શુભ પ્રભુ બતાવજો …. રે જી
તરીને બીજાને તારે, શક્તિ પ્રભુ આપજા ભારે
ભજન તારા ગાય ને ગવરાવે રે, વાણી મધુરતા આપજો …. રે જી
હિંસા સૌ હૃદયથી ત્યાગે, અહિંસામાં પ્રેમ લાગે
છોડીને કુકર્મ તમામ રે, શાંતિથી રહે સૌ સંપથી …. રે જી
તૃષ્ણા ને લોભ છોડે, પ્રભુમાં મળી જાવા દોડે
વેદની મર્યાદા નવ તોડે રે, અંખડ સ્મૃતિ આપજો …. રે જી
દેહની આસક્તિ મૂકે, ભક્તિ કરવી નવ ચૂકે
સમદૃષ્ટિ સાથે વિવેક રે, પ્રેરણાઓ એવી પ્રેરજો …. રે જી
|| ૐ||