॥ ૐ ॥
(દિવ્ય પ્રેમ-વિકાસનો સંદેશો, આ પ્રેમનું ભજન લખાયેલ છે, પ્રભુને પ્રેમ સ્વરૂપ જાણીને જ.)
અમે પ્રેમ નગરના વાસી, અમે હૃદયથી વિશુધ્ધ ઉપાસી …. અમે …. ટેક
પ્રેમનગરનું અનાદિ મંદિર, કાળથી નથી ખવાતું (ર)
વેદશાસ્ત્ર, કુરાન, બાઈબલ, સહુ ગ્રંથોનું સાર જણાતું (ર)
યુગ વીતે પણ પ્રેમમંદિર તો અખંડ અચલ વિકાસી …. અમે (૧)
પ્રેમમંદિરને કદી ન મપાયે, સહુ દિશામાં ખુલ્લેખુલ્લું,
સર્વે કાળમાં પ્રેમ મંદિર તો, પ્રકાશ દેવામાં પહેલું, (ર)
હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, પારસી, ધર્મથી પ્રેમના વાસી …. અમે (ર)
બ્રાહ્મણ, પંડિત, કાજી, ફકીરો, તપસ્વી, યોગી ને ભક્તો સૌએ પ્રેમ ભરેલા, (ર)
નાતજાતને ધર્મના ઝઘડા, પ્રેમમંદિરના પ્રેમીઓ તો ચેતી દૂર જ રહેલા, (ર)
ધર્મગુરુઓ, લેખક, કવિ સહુ, વિસ્મય પ્રેમ ઉપાસી …. અમે (૩)
પ્રેમમંદિરથી પવિત્ર બનતા હૃદયે સૌ હરખાતા, (ર)
આનંદય અને શાંતિમય વીરતાનાં ગાનો ગાંતા, (ર)
અખંડ પ્રેમના સૂરને સમજી પ્રેમમંદિરના નિવાસી …. અમે (૪)
પૃથ્વી વનનાં વૃક્ષો, પહાડો, પક્ષી, નદીઓ, સાગર તાલો, (ર)
કુદરતમાં સૌ પ્રેમ કરીને ગુંજન વિધવિધ ખ્યાલો, (ર)
કોયલ સૂરથી નાદ ગજાવે, મસ્ત પ્રેમ ઉપાસી …. અમે (પ)
જાગૃત પ્રેમી અનહદ નાદે, એકતા અચલ બનાવે, (ર)
પ્રેમમંદિરની પ્રેમ પ્રસાદી, હૃદયમાં પ્રેમી સમાવે, (ર)
પ્રેમી સરલ હૃદય પ્રેમ ભરતી, સત્ય જ પ્રેમ ઉપાસી …. અમે (૬)
પ્રેમ પ્રકાશના ઊજળા પ્રકાશે, યુગનાં અંધારાં જાતાં, (ર)
મુક્ત બનેલા વિશુધ્ધ પ્રેમીને, દર્શને દિવ્ય જ થાતાં, (ર)
પ્રેમીને તો રોજ દિવાળી, અખંડ પ્રકાશ પ્રકાશી …. અમે (૭)
પ્રેમીના પ્રેમનું માપ ન નીકળે, પ્રેમ છે સઘળે વ્યાપ્યો, (ર)
પ્રેમી પ્રેમથી ઉદાર બનીને, હૃદયમાં પ્રેમને સ્થાપ્યો, (ર)
પ્રેમીની પ્રેમની શ્રેષ્ઠ કળા તો વિજય પ્રેમ વિકાસી …. અમે (૮)
સંયમ પ્રેમીનો સાચો પાયો, નિર્દોષ નિર્મળ વાણી, (ર)
પ્રાણ વિશુધ્ધિ પ્રેમ ભરેલો, અમૃત સિંચન જાણી, (ર)
પ્રેમી પવિત્ર સહેજે કરતો અમર પ્રાણ ઉપાસી …. અમે (૯)
॥ ૐ ॥