॥ ૐ ॥
હાં રે પ્રભુએ જગત વિશાળ બનાવ્યું
હાં રે પ્રભુએ જગત વિશાળ બનાવ્યું કે
ભૂલની વાતો જણાય ના …. ટેક
હાં રે સહુ પ્રાણીઓને પ્રેરણાઓ આપે કે
નજરે સહુને દેખાય ના ….
ગીતાનું જ્ઞાન આપી, જીવન સુધારવું
ભયનાં પાપોથી, નિર્ભય બનાવવું
હાં રે ગીતા અખૂટ – અમૃતનો ખજાનો કે
કોઈથી છોડ્યો છોડાય ના …
અદ્ભૂત શ્લોક એવા અર્થ ઊંચા ખ્યાલમાં
અજ્ઞાન અંધારું ટાળે, પ્રકાશ આપે સાનમાં
હાં રે હૃદય શુધ્ધ કરી વાસનાઓ બાળે કે
મોહ-શોક નજરે દેખાય ના ….
જુગોની જૂની પ્રીત તાજી કરાવતો
ત્રિકાળજ્ઞાની પ્રભુ દેહદૃષ્ટિ ટાળતો
હાં રે એના જ્ઞાનથી સ્મૃતિઓ અપાવે કે
ક્ષુદ્ર જીવ ભાવોની ભૂલ ના …
વિનાશી ભાવના અતીશે અકળાવતી
અવિનાશી ભાવ દઈ અમર બનાવતી
હાં રે પ્રભુ પ્રેમથી સહુને બોલાવે કે
એના ઘરે ખોટ જણાય ના ….
કોટિ કોટિ સૂર્યના પ્રકાશથી વધારે
એવો પ્રકાશ પ્રભુ પોતે સમજાવે
હાં રે એના પ્રેમમાં મસ્ત બનાવે કે
એક પળ ધ્યાન ચૂકાય ના ….
પાખંડ પ્રપંચ વિદ્યા, આવે નહિ કામની
સાચી છે બ્રહ્મવિદ્યા, સ્થિર બ્રહ્મભાવની
હાં રે વિષય ઝેરીનું, ઝેર ઉતારે કે
સાચી કળા પ્રભુના નામની ….
અનન્ય ભાવે સ્મરણ સતત કરે જે
ચિત્ત સ્થિર થાતાં પ્રભુને મળે તે
હાં રે એવો સુલભ માર્ગ બતાવ્યો કે
મુજથી ભૂલ્યો ભુલાય ના ….
દુઃખના દિવસ વિના સમજણથી આવતા
સુખી થવા સહુને ગીતા સમજાવતા
હાં રે અખંડ આનંદની વૃત્તિ બનાવે કે
દેહ ગર્વ નજરે દેખાય ના ….
જીવનમરણની કળા પ્રભુ આપતા
નિયમ પાળે તેના પર પ્રેમ રાખતા
હાં રે પ્રભુ પોતાનું સર્વસ્વ આપે
ઉદાર એવો બીજા દેખાય ના ….
વિશ્વાસ રાખી હૃદય વિશ્વંભર નાથનું
સ્મરણ વધારજા યોગેશ્વર શ્રીકૃષ્ણનું
હાં રે એની ભક્તિ કરી એકરૂપ થાવું
કલ્યાણપ્રેમી પ્રભુ ભુલાય ના ….
॥ ૐ ॥
સત્ય ગોતવા માટે ભૂલ મદદ કરે છે. આજ્ઞાઓ બે છે એક મનની – બીજી પરમાત્માની. વિભાજન-ભાજનમાંથી જે ભાગલા પડ્યા એનું નામ છે ભૂલ. પ્રભુનો ભાગલો પાડીએ, એમાંથી ભૂલનો જન્મ થાય છે. લક્ષવેધી ભક્તિ હોવી જાઈએ.