॥ ૐ ॥
(રાગ : જૈજૈવંતી કલ્યાણ ગરબી)
સર્જન જગતતણું પ્રભુ કરતા, કળા અનંત બતાવે રે,
સીવતા કાયા દોરા વિનાની, પ્રાણથી પ્રાણી ચલાવે રે …. ટેક ૧
એકલા સર્જન અનંત કરતા, રાતદિવસ નહિ થાકે રે,
સાત ધાતુ વાળ ચામ બનાવે, જડચેતનથી રમાડે રે …. ર
વિચત્ર ઈન્દ્રિયો જ્ઞાનતંતુને, હૃદયમાં વિધવિધ ભાવો રે,
કેમ સમાવ્યાં સૌનાં કર્મો, બુધ્ધિથી સમજ ન આવે રે …. ૩
સૌને યાદ રાખે છે, પ્રભુજી, લખનાર સાથે ન રાખે રે,
ભૂલ કદી નથી પડતી એમાં, શીખવું કદી નથી પડતું રે …. ૪
કાયામાયાનો મેળ મેળવી અદ્ભૂત કારીગરી કરતા રે,
દેખાવ છતાં માયા નથી સાચી, સ્વતંત્ર પ્રભુના ખ્યાલની રે …. પ
માયા ભટકાવે ભ્રમમાં નાખે, પ્રભુ ધ્યાને માયા ન નડતી રે,
પડે ફોટાઓ વિધવિધ આંખે, કૅમેરાની જરૂર ન પડતી રે …. ૬
ફોટા પાડી અંદર સમાવે, ગણતરી એની નથી બનતી રે,
વિધવિધ જાતના રંગીન ફોટા, રંગ ને પીંછી નથી મળતી રે …. ૭
પળમાં કરોડો ગાઉ ગતિનું, અજબ મન અંદર રાખ્યું રે,
એવા મનને રાખવા માટે, ટૂંકી જગ્યામાં સમાવ્યું રે …. ૮
મનને પ્રાણનો વેગ આપીને, બહુબહુ જન્મો ભમાવે રે,
મહાન ગતિશીલ પ્રભુની ગતિનો વિજ્ઞાની પાર ન પામે રે …. ૯
શ્વાસે શ્વાસે રટણ પ્રભુનું, મન પ્રાણને સ્થિર કરતું રે,
પ્રકાશે સૂર્ય-ચંદ્ર ને તારા, તાર બટન નથી મળતું રે …. ૧૦
વરસાદ જળથી પૃથ્વીને ભરતા, ટાંકી કે નળ નથી રાખ્યા રે,
દેશ-પરદેશે વધઘટ પાણી, નોંધ ચોપડે નથી કરતા રે … ૧૧
અખંડ સ્મૃતિ છે સૌથી વધારે, અચળ નયમ બનાવે રે,
ક્યાં એ વસતા, ક્યાં નથી વસતા, ક્યાંથી સંદેશા ચલાવે રે …. ૧ર
અનંત જાતો વનસ્પતિ બિયાં ઘણાંયે જંગલો ભરતાં રે,
રસનસ જુદા, કાપણી જુદી રૂપરંગ રસકસ કસતા રે …. ૧૩
શૂન્યનું સર્જન અનંત પ્રભુનું, કળા-કૌશલ્ય બતાવે રે,
ન્યાયે કદીયે ફરક પડે ના, એકલા કદી ન કંટાળે રે …. ૧૪
શુભ-અશુભ સૌ કર્મો જાણી, સૌને પોષણ દેતા રે,
સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ જીવો, ઓજાર વિના ઘડતા રે …. ૧પ
મહાન ભયંકર ઝેરી જીવો, દેખીને સૌ ડરતા રે,
ઝેરીને પોષણ દેવામાં, ભેદભાવ નથી કરતા રે …. ૧૬
મહાન બનાવે નાના બનાવે, જીવન-મરણને જાતા રે,
વિજય સદા છતાં ગર્વ ન રાખે, સત્તા સતની ચલાવે રે …. ૧૭
સર્જન વર્ધન વિસર્જન કરતા, જાડીના બીજા ન મળતા રે,
નિરાકાર તું, નિર્વિકારી તું, સાકાર સર્જન કરતા રે …. ૧૮
સાકાર સર્વાકાર પ્રભુ તું, વિચરણ ક્યાં ને કયા રૂપનું રે,
ચરણ કરણ નયન મુખ છુપાવે, અદ્ભૂત ભાન ને સાને રે …. ૧૯
રમતા સૌમાં ધરતા સૌને, અલગ આધાર ન કોઈનો રે,
જ્ઞાને ધ્યાને ઋષિમુનિ થાક્યા, કોઈ પાર ન પામ્યા રે …. ર૦
તમારું સ્વરૂપ પ્રભુ તમે જ જાણો, સાચી નિષ્ઠા રાખી તરવું રે,
મારું સઘળું સોંપી દઈને, તમારા સ્વરૂપમાં ભળવું રે …. ર૧
જવાબદારી પ્રભુ સંભાળો, આપથી જુદા નથી પડવું રે,
સંપૂર્ણ પ્રભુજી સમજ તમારી, પછી કાંઈ નથી કહેવું રે …. રર
॥ ૐ ॥
સર્જન જગતતણું પ્રભુ કરતા, કળા અનંત બતાવે રે,